Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

નર્મદા જિલ્લામાં ૧૯ મી ડિસેમ્બરે ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય ચૂંટણી આયોગ,ગાંધીનગર ધ્વારા ડિસેમ્બર-૨૦૨૧ માં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા અંગે તા.૨૨/૧૧/૨૦૨૧ થી જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ અત્રેના નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકા માં-૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, તિલકવાડા તાલુકામાં ૨૭-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૩-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, ગરૂડેશ્વર તાલુકામાં ૩૬-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૧-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, દેડીયાપાડા તાલુકામાં ૩૯-ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૪-ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી તેમજ સાગબારા તાલુકામાં ૩૦-ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી કોઇ નથી. આમ, કુલ મળી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૨/૧૧/ ૨૦૨૧ ના રોજ ચૂંટણીઓની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવતી હોય, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા અંગેની આદર્શ આચાર સંહિતાના અમલ બાબતની તમામ સૂચનાઓ/જોગવાઇ ઓનું ચૂસ્તપણે પાલન થાય તે જોવા નોડલ અધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટર, નર્મદા-રાજપીપલા તરફથી અમલીકરણ અધિકારીઓ સહિતના સંબંધિત તમામને જાહેર અનુરોધ કરાયો છે.
રાજ્ય ચૂંટણી આયોગ ધ્વારા જાહેર કરાયેલ ચૂંટણીના કાર્યક્રમ મુજબ ચૂંટણીની જાહેરાતની તારીખ:- ૨૨-૧૧- ૨૦૨૧, ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તારીખ: -૨૯- ૧૧-૨૦૨૧, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ:-૦૪-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તારીખ:-૦૬-૧૨-૨૦૨૧, ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ:-૦૭-૧૨-૨૦૨૧, મતદાનની તારીખ તથા સમય :- ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી, પુનઃ મતદાનની તારીખ :- (જરૂરી જણાય તો) ૨૦-૧૨-૨૦૨૧, મતગણતરીની તારીખ:-૨૧-૧૨-૨૦૨૧ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ:-૨૪-૧૨-૨૦૨૧ નિયત કરાઇ છે, જેની જાહેર જનતાને નોંધ લેવા નોડલ અધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ અને નિવાસી અધિક કલેક્ટર, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:00 pm IST)