Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કપડવંજમાં અજાણી કન્ટેનરે બાઇકને ટક્કર મારતા યુવાન મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ : કપડવંજમાં આજે એક અજાણી કન્ટેનરે બાઇકને ટક્કર મારતા એક યુવાન મહિલાનું ઘટના સ્થળે  જ મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથેના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં કન્ટેનરનો ડ્રાઇવર અકસ્માત બાદ ભાગી છૂટયો હતો. જેને નજીકના ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે.

બગડોલ ગામે રહેતા જગદીશભાઇ આજે બપોરે કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામે રહેતા તેમના મિત્રની બહેન ૨૦ વર્ષિય હેતલબેન સાથે બાઇક પર બેસીને  સિહુંજ ગામે લોનનો હપ્તો ભરવા જઇ રહ્યા હતા. તેઓ જ્યારે કપડવંજ નડિયાદ રોડ પર આવેલ ફતિયાબાદ નજીકની નર્મદા નહેરના બ્રીજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે સામેથી એક કન્ટેનર આવતુ ંહતું. આ કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઇ અને ગફલતભરી રીતે પૂરઝડપે હંકારતા ધડાકાભારે જગદીશભાઇની બાઇક સાથે અથડાયું હતું. જેને કારણે જગદીશભાઇ  અને હેતલબેન રોડ પર પટકાયા હતા. આ બનાવમાં માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલા હેતલબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે જગદીશભાઇને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.

(5:54 pm IST)