Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પહેલા મુખ્‍યમંત્રી વિજયભાઇ હતા અને હવે ભૂપેન્‍દ્રભાઇ છે પણ હું વચ્‍ચે જ છું... હું જતો નથી રહેવાનો અને તમારી વચ્‍ચે જ છું... જ્‍યાં સુધી જીવુ ત્‍યાં સુધી મા ઉમિયાજી કરાવે તે બધુ જ સંસ્‍થા માટે આજીવન કરીશઃ નીતિનભાઇ પટેલ

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફુટ ઉંચા ઉમિયા માતાજીના મંદિર નિર્માણમાં પૂર્વ નાયબ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ

અમદાવાદ: અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારંભમાં સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને મહંતો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે રાજ્યના નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે.

આ પ્રસંગમાં હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેજ પર પોતાના નિવેદનમાં હળવા અંદાજથી લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવા અંદાજમાં જણાવ્યું હતું કે, પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ હતા અને હવે ભૂપેન્દ્રભાઈ છે, પણ હું વચ્ચે જ છું... હું જતો નથી રહેવાનો અને તમારી વચ્ચે જ છું. હું ગમે તે હોદ્દા પર હોવ, ના હોવજ્યાં સુધી જીવું ત્યાં સુધી મા ઉમિયાજી કરાવે તે બધું જ સંસ્થા માટે આજીવન કરીશ.

આ સિવાય લોકોને હસાવતા નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા હું આપનાર હતો અને હવે માંગનાર છું. તથા સમાજ માટે માગવામાં મને ક્યારે સંકોચ નથી, અને જાહેર જીવનમાં દરેક કામ માટે માગવાનું જ હોય. અગાઉ કોરોનામાં માંગતા હતા કે કોરોના કિટ આપો, ઓક્સિજનના પ્લાન્ટ આપો, બેડ આપો, રેશન કીટ આપો... પરંતુ હવે બધુ ઋષિ ભાઈને આપ્યું, હવે આ બધું તમે માંગો હું ઉમિયા માતાનું માંગુ. પરંતુ માંગવાનું તો ચાલું જ છે. ખાલી કારણ જ બદલાયું છે તેવું જણાવી રમૂજી અંદાજમાં નીતિન પટેલે વાત કરતા લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું.

નીતિન પટેલે આ પ્રસંગમાં વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ મહેમાન નથી પરંતુ તેઓ ટ્રસ્ટી છે. વેવાઇ મુખ્યમંત્રી હોય અને બીજા વેવાઇ આવે તો દાન આપવું પડે. ભૂપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડનું દાન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં ઉમિયા માતાની રથયાત્રા કાઢી હતી. 2-3 દાતા કે નેતાઓ યાદ નહી રાખતા. નાના માણસોને પણ યાદ રાખવા. અનેક મિટિંગો કરી ત્યાર બાદ પ્રોજેક્ટ નક્કી કર્યા હતા. હું પાયાથી અત્યાર સુધી એક એક કામનો સાક્ષી છું. જમીનનો કબ્જો લેવા માટે પણ સમાજના લોકોએ ખુબ જ કામ કર્યું છે. મંદિરનો ઇતિહાસ લખાશે ત્યારે તમામ નોંધાશે. મંદિરના કાર્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી પરંતુ નવા મુખ્યમંત્રીએ પણ કરી તો હું વચ્ચે જ રહેવાનો છું.

(7:01 pm IST)