Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

લાયસન્સ સહિતની ૧૯ સેવા માટે હવે RTOનો ધક્કો ખાવો નહીં પડે : ઘરેબેઠા મળશે સુવિધા

આધાર કાર્ડ આધારીત ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા તમારે આરટીઓના ધક્કા બચી જશે : લાઈસન્સ હોય કે નવી આરસી બુક કે પછી વાહનમાં નામ ટ્રાન્સફર કરાવવાનું હોય બધુ જ ઓનલાઈન થઈ જશેઃ ઓટીપી દ્વારા તમે આધારની ડિટેઇલ્સ વેરીફાય કરાવશો કે તરત જ તમારી એપ્લિકેશન મંજૂર થઈ જશેઃ આ સિસ્ટમના કારણે આરટીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પણ કાબૂ આવશે અને વધુ સારી સુવિધા મળશે

અમદવાદ, તા.૨૩: જે લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવવા માગે છે તેઓ ટૂંક સમયમાં જ આરટીઓની લાંબી લાઈનોમાંથી મુકિત મેળવી લેશે અને પરમિટ સીધી તેમના ઘરે જ પહોંચી જશે. વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારીત ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી આ સુવિધાના લાભ લઈ શકાશે. જેથી પરમિટ સીધી તમારા આધારકાર્ડમાં રહેલા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.

રાજયના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આધાર બેઝડ ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ ટૂંક સમયમાં જ ઓનલાઈન શરું થઈ જશે અને અનેક બીજી સેવાઓ પણ આપશે. વિભાગ દ્વારા ૧૯ જેટલી સર્વિસને આ માટે લિસ્ટ કરવામાં આવી છે જેને આરટીઓ ધક્કો ખાધા વગર કે ડોકયુમેન્ટ સબમિટ કર્યા વગર થઈ જશે. આ સિસ્ટમના લોન્ચ અંગે વિભાગ દ્વારા શનિવારે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું.

આ સિસ્ટમ અંગે સમજાવતા આરટીઓના અધિકારીએ જણાવ્યું કે જેમ કે કોઈ અમદાવાદી અમેરિકા ગયો હોય અને તે પોતાનું ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ જે અમાદવાદ આરટીઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું હોય તેને વધારવા માગતો હોય તો તે આ ઓનલાઈન ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમના માધ્યમથી એપ્લાય કરી શકે છે. એકવાર સિસ્ટમ દ્વારા તેમની આધારકાર્ડ ડિટેઇલ્સ વેરિફાય થઈ જાય એટલે લાઈસન્સને આગળ વધારવાની અરજી મંજૂર થઈ જાય છે.

જયારે લાઈસન્સના મામલે અરજકર્તાની જન્મ તારીખ અને જાતી પણ એવા પેરામીટર છે જેનો ઉપયોગ ફેસલેસ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા તેની અરજીને મંજૂરી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જયારે વાહન વેચવાની સ્થિતિમાં વેચાનાર અને ખરીદનાર બંનેએ પોતાના આધારકાર્ડની ડિટેઇલ્સ વન ટાઈમ પાસવર્ડના મારફત વેરિફાય કરાવવાની રહેશે. અધિકારીએ કહ્યું કે જો માહિતી બિલકુલ સાચી હશે તો વાહનનો માલિકી હક્ક તાત્કાલીક ધોરણે બદલાઈ જશે.

આ સેવાનો તમે ઓનલાઈન ઉપયોગ કરી શકશો

અધિકારીએ કહ્યું કે આ દરમિયાન જો વ્યકિત દ્વારા આપવમાં આવેલી ડિટેઇલ અને આધાર ડિટેઇલમાં મેળ ન ખાતો હોય જેમ કે પિતાના નામના સ્પેલિંગમાં સુધારાની જરુર હોય તો તેવો સુધારો વ્યકિત દ્વારા અન્ય માહિતી જેવી કે સરનેમ, જન્મતારીખ, જાતી અને એડ્રેસ આપવાથી કરવા દેવામાં આવશે. જો અરજદારના નામમાં જ સ્પેલિંગની ભૂલ હોય તો પિતાનું નામ ચેક કરવામાં આવશે. અને જો પિતાનું નામ અને અરજકર્તાની સરનેમ ડેટા સાથે મેચ થશે અને એકસમાન જ હશે તો નામના સ્પેલિગમાં સુધારો કરવા દેવામાં આવશે. અધિકારીએ કહ્યું કે લોકો હવે આ રીતે ઓનલાઈન એપ્લાય કર્યા બાદ નવું લાઈસન્સ અથવા આરસી મળ્યે પોતાનું જૂનું લાઈસન્સ કે આરસી બૂકનો જાતે જ નાશ કરી શકશે. આ પહેલા લોકોને પોતાના જૂના આવા ડોકયુમેન્ટ જમા કરાવવા માટે આરીટીઓ જવું પડતું હતું.

અધિકારીએ કહ્યું કે આ જ રીતે નેશનલ પરમિટ પણ ઈશ્યુ અથવા રિન્યુ કરવામાં આવી શકે છે. જો ટ્રાન્સપોર્ટ વેહિકલ કે પછી બસ એમ જ પડી રહી છે તો તેના માલિક ઓનલાઈન નોન યુઝ ડોકયુમેન્ટેશન માટે પણ એપ્લાય કરી શકે છે. અને પછી જયારે તે વાહનને રોડ પર પાછું ઉપયોગમાં લેવાનું હોય તો જરુરી પરમિટ ફરી ઓનલાઈન માગી શકાય છે.

(4:05 pm IST)