Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મનોજ પટેલે જ ઝોન બેઠકમાં તંત્ર પર હપ્તા લેવાનો કર્યો આક્ષેપ : ભારે વિવાદ સર્જાયો

અમદાવાદ માં રખડતા ઢોર પકડવા અંગે ખુદ શાસક પક્ષના કોર્પોરેટર

અમદાવાદ તા. ૨૩ : શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે વિવાદ યથાવત રહ્યો છે. ખુદ શાસક પક્ષના કોર્પોરેટરે જ તંત્ર પર હફતા લેવાના આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. ઢોર ન પકડવા મોટી રકમ માંગવામાં આવતી હોવાના આરોપ લગાવવામાં આવતા આ મુદ્દો હાલ ટોપ ધ ટાઉન બન્યો છે.

ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી, મેયર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આજ આરોપ લગાવ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ઢોર ન પકડવા માટે તંત્ર દ્વારા હપતા લેવાતા હોવાનો આરોપ લાગતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલના આક્ષેપથી વિવાદ વધુ વકર્યો છે. મનોજ પટેલે જણાવ્યું છે કે ઢોર ન પકડવા મોટી રકમ માગવામાં આવે છે. મારા વોર્ડમાં રખડતા ઢોર મુદ્દે વારંવાર રજૂઆત કરાઈ છે. અનેક રજૂઆતો, ફોન અને અરજીઓ બાદ એક અધિકારીએ કહ્યું કે, તમારો ફોન જોવા અમે ફ્રી નથી.

કોર્પોરેટરે ઉમેર્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર ન પકડવા માટે બધા માલધારીઓ તંત્રને હપતા નથી આપતા, કેટલાક આપે છે અને કેટલાંક નથી આપતા. એક તરફ ગુજરાતમાં રખડકા ઢોરથી મુકિત માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ હપ્તા લે છે.

તેમણે ઉમેર્યું હતું કે, સીઆર પાટીલ પણ રાજયમાં રખડતા ઢોર મુદ્દે તંત્રને ટકોર કરી ચૂકયા છે. પાટીલની ટકોર છતાં રખડતા ઢોર મુદ્દે કોઈ કાર્યવાહી કરાઈ નથી. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આ જ આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે શાસક પક્ષના કોર્પોરેટરે હપ્તા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપના કારણે અંદરોઅંદર વિવાદ ઉભો થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, અગાઉ પણ ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ ગાય સહિતના મુદ્દે અધિકારીઓ સાંભળતા ન હોવાના આરોપ સાથે ડે.કમિશનર ની ઓફિસમાં ધરણા પર બેઠા હતા. એ સમયે પ્રભારી ધર્મેન્દ્ર શાહ, હાલના મુખ્યમંત્રી અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ અને સ્ટે.ચેરમેન દોડી આવ્યા હતા.

(2:30 pm IST)