Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બાબાસાહેબના રાષ્ટ્રનિર્માણના કાર્યો અને વિચારના કેન્દ્રમાં નેશન ફર્સ્ટ રહેલુ છે : ભુપેન્દ્રભાઇ

અમદાવાદની ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્થકતાના પંચામૃત કાર્યક્રમ યોજાયો : બાબાસાહેબનું જીવન સંઘર્ષમય રહ્યુ હતું : તેમની વિદ્ધતના કારણે આજે સમગ્ર રાષ્ટ્ર તેમને ઓળખે છે : સી.આર.પાટીલ

ગાંધીનગર,તા. ૨૩: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોનો સંદર્ભ આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્રની હંમેશા ચિંતા કરીને એક નવું જ ચિંતન રજૂ કર્યું હતું. તેમણે રાષ્ટ્રને શકિતશાળી બનાવવા રાષ્ટ્રના પ્રત્યેક વ્યકિતને સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ વ્યવહારનો અનુભવ કરી તેને અનુસરવા પ્રેરણા આપી છે.

ડો. આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડનાર એક સામાજિક યોદ્ઘા, અર્થશાસ્ત્રી કે મહિલા સશકિતકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા પરંતુ તેઓ એક મહાન રાષ્ટ્રનિર્માતા છે. રાષ્ટ્ર નિર્માણના દરેક કાર્ય અને વિચારમાં 'નેશન ફર્સ્ટ'રહ્યું છે.

સમાજમાં વ્યાપ્ત અસમાનતાઓ અને વિષમતાઓ સામે ડો. આંબેડકરનું જીવન-લક્ષ્ય સામાજિક ક્રાંતિ બની જતાં તેઓ વ્યકિત મટી સમષ્ટિ બની ગયા તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેર સ્થિત રાજયની એક માત્ર ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમણે દ્રઢતા પૂર્ણ કહ્યુ કે, ડો. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર વ્યકિતત્વ પ્રેરણા આપનારું છે. ડો. બાબાસાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે.

મૂલ્યવાન વિચારોને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સાથે જોડીને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ 'સાર્થકતાના પંચામૃત'નો જે આયામ ઉપાડયો છે તેમણે મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.

તેઓએ આંબેડકર યુનિવર્સિટીની શિક્ષણ પ્રણાલીના ડિજિટલીકરણની નવતર પહેલને બિરદાવતા કહ્યું કે,આંબેડકર ઓપન યુનિવર્સિટી ઘરેબેઠાં ગંગાની અને છેક છેવાડાના વિસ્તારોને પણ જ્ઞાન સાગરમાં ડૂબકી મારવાની તક દૂરવર્તી શિક્ષણથી પાર પાડે છે. વયના બાધ વગર ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓને આગળ વધવાની સુવર્ણ તક મળે છે તો ભણતરથી વંચિત રહી ગયેલા લોકોને શિક્ષણ મેળવવા માટેનું પ્રોત્સાહન મળે તે માટેના આ પ્રયાસ શિક્ષણના સ્તરને વધારવા અને ગુણવત્ત્।ાયુકત બનાવવામાં ચોક્કસ ફાળો આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરનું જીવન સંદ્યર્ષમય રહ્યું હતું તેમની વિદ્વતાના કારણે આજે સમગ્ર રાષ્ટ્ર તેમને ઓળખે છે.આ પ્રખર કોઠાસૂઝ અને વિદ્વતાના કારણે જ બંધારણની રચનામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓએ ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન અને વ્યકિતત્વને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવી નાગરિકોને તેમાંથી પ્રેરણા લઇ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રમાં સહભાગી બનવાની શીખ આપી હતી.

સી.આર.પાટીલે જ્ઞાતિવિહીન એટલે કે સમગ્ર સમાજ એકાત્મ અને સમરસ સમાજરચનાના ડો. બાબા સાહેબના વિચારોને અનુસરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે તેઓએ બંધારણના ૬૦ વર્ષ પૂર્ણ થતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી હાથીની અંબાડી પરથી બંધારણ યાત્રા કાઢી હોવાના પ્રસંગને વાગોળયો હતો.

સાર્થકતાના પંચામૃત કાર્યક્રમમાં સામાજિક અગ્રણી કિશોર મકવાણા દ્વારા સરદાર પટેલના જીવન પર લિખિત રાષ્ટ્રપુરુષ ડો. બાબાસાહેબ આંબેડકરના પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.આ પંચામૃત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે BAOU દ્વારા સંચાલિત રાજયના દરેક પ્રાદેશિક કેન્દ્ર પર અદ્યતન કોમ્યુટર સેન્ટરનું ઇ-લોકાર્પણ,સાઇન લેંગ્વેજ વેબલિંકનું ઇ-ઉદ્ઘાટન,ગાર્ગી રીસર્ચ પ્રપોઝલ અન્વયે અનુદાન પ્રદાન,રાજયવ્યાપી પ્રતિભાશોધ સ્પર્ધા તેજતૃષાના તેજસ્વી તારલાઓનું અભિવાદન-ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.

સાર્થકતાના પંચામૃત પાવન અવસરે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) અમી ઉપાધ્યાય, સામાજીક અગ્રણી દિલીપ દેશમુખ, કિશોર મકવાણા, રાજયના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)