Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગુજરાતમાં રમકડા ઉદ્યોગના વિકાસ માટે ટોય પાર્ક વિકસાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જીઆઇડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ વિકસાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

રાજકોટ તા. ૨૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક વિકાસવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન જીઆઈડીસી અંગે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજયની જીઆઇડીસી વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠકમાં જીઆઇડીસીના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ તેમજ જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર થેન્નારસન અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિસ્તારોમાં નાના-મધ્મમ ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્યરત થઇ શકે તે હેતુસર મલ્ટિ સ્ટોરી બ્લિડિંગ શેડ બનાવવાની દિશામાં પણ કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની ઔદ્યોગિક વસાહતો-જીઆઇડીસીમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવાની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને જરૂરી વ્યવસ્થાઓ ત્વરાએ હાથ ધરવા સૂચન કર્યું છે. આવી ચારથી પાંચ મોડલ જીઆઇડીસી રાજયમાં વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી

રાજયમાં જે સ્થળોએ નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માંગણી આવે છે ત્યાં ડિમાન્ડ સર્વે કરવાની પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂચનાઓ આપી હતી.

હાલ જે જીઆઇડીસીમાં જમીન સંપાદનની કાર્યવાહી કોઇને કોઇ તબક્કે ધીરી પડેલી છે તેનો ત્વરિત નિકાલ કરવાનું પણ સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતુ.

જીઆઇડીસી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજમાં જે ડિસેલીનેશન પ્લાન્ટ તૈયાર થયો છે તેની કામગીરી સમયબદ્ઘ આયોજનથી સમયાવધિ પહેલાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

ગાંધીનગરના ગિફટ સિટીમાં જીઆઇડીસી દ્વારા વિકસાવવામાં આવી રહેલા આઇટી-પાર્કની કામગીરીમાં પ્લોટ ફાળવણી સહિત વગેરેમાં ગતિ લાવવાનું પણ મુખ્યમંત્રીશ્રી સૂચવ્યું હતું.

રાજયમાં મોટાપાયે નવા ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે તેમની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જીઆઇડીસી વધુ સજ્જ બને અને ઉદ્યોગકારો, રોકાણકારોને અંડર વન રૂફ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્મયમંત્રીશ્રીએ આ બેઠકમાં વિશદ ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

(2:26 pm IST)