Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

૨૫ હજાર કરોડના નુકસાન સામે પકેજ મજાક સમાન છે

સરકારના રાહત પેકેજને લઇ કોંગ્રેસના સવાલો : મહારાષ્ટ્રમાં સત્તા માટે બંધારણ તેમજ લોકશાહીના મૂલ્યો સત્તા માટે નેવે મૂકાયા છે, તે આઘાતજનક : ડો. મનીષ દોશી

અમદાવાદ, તા.૨૩ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજયના ખેડૂતો માટે આજે રાહત પકેજની જાહેર કરાયેલી સહાય મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ સરકારની નીતિને ખેડૂત વિરોધી નીતિ ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. ડો.દોશીએ જણાવ્યું કે, રાજય સરકારને કોંગ્રેસ દ્વારા અનેક વખત ખેડૂતોને સહાય માટે રજુઆત કરવામાં આવી છે. સરકાર વારંવાર સહાયનું બહાનું કાઢે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ પોતાની મનમાની ચલાવે છે. પ્રધાનમંત્રી ફસલ યોજના હવે ખેડૂતો કો ફસા યોજના બની ગઈ છે. સરકારે જાહેર કરેલી આ સહાયની રકમ ખૂબ ઓછી ગણી શકાય. કારણ કે, રાજયના ખેડૂતોને કુલ રૂ.૨૫૦૦૦ કરોડ કરતા વધુ નુક્સાન થયું છે, જેની સામે ગુજરાત સરકારે રૂ.૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરી ખેડૂતોની મજાક કરી છે અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. દરમ્યાન મહારાષ્ટ્રનાં રાજકારણને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કોઇપણ રીતે સતા મેળવવી અને કોઈપણ નિમ્ન કક્ષાએ જવું એ ભાજપની નીતિ છે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટી ગયું અને રાતોરાત દાવો મુખ્યમંત્રી માટે કર્યો, ભાજપે નૈતિકતાને નેવે મૂકીને આ કામ કર્યું છે.

             સરકાર બનાવવા માટે ફડણવીસે શુભકામનાઓ આપી હતી તો અચાનક શુ થયું. આ પહેલા દેશના પ્રધાનમંત્રીએ નિમ્ન કક્ષાના શબ્દો એનસીપી માટે કર્યા હતા. આ પહેલા ફડનવીસે ટ્વીટ કર્યું હતું અને એનસીપી સાથે નેવર નેવર નેવર વલણ સ્પષ્ટ કર્યું હતું. ડો.મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું કે, સત્તા મેળવવા માટે પોલીસ કે પાવરનો ઉપયોગ કેમ કરવો તે ભાજપને ખબર છે. અજિત પવાર સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો ભાજપમાં આવતા જ ભ્રષ્ટાચારી લોકો સ્વચ્છ થઈ જાય છે. ભાજપ સાજીદારી અને ભાગીદારીના ઘણા નમૂનાઓ આપી ચુકયુ છે. ભાજપ સામે હોય તો તકલીફો દેખાય અને સાથે આવે તો સ્વચ્છ થઈ જાય છે. ભાજપ સત્તા માટે કોઈની પણ સાથે કયારે પણ બેસી શકે છે. કોંગ્રેસ આગામી દિવસો મહારાષ્ટ્રને લઈને રણનીતિ નક્કી કરી તેનું વલણ સ્પષ્ટ કરશે. બંધારણ અને લોકશાહીના નૈતિક મૂલ્યોને સત્તા માટે નેવે મૂકાયા છે, તે આઘાતજનક કહી શકાય, દેશની જનતા બધુ જાણે છે અને આગામી દિવસોમાં ભાજપને જનતાનો મિજાજ ખબર પડશે. પેકેજને લઈ રાજનીતિ થઈ રહી છે.

(9:39 pm IST)