Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

યુનિવર્સિટીના ૭૧માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

જુદા જુદા ભવાનોમાં રંગોળી- રોશની થઈ : યુનિવર્સિટીના સંકુલમાં વૃક્ષારોપાણના સહિતના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન : પૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ

અમદાવાદ,તા.૨૩ : ગુજરાત યુનિવર્સિટીના ૭૧માં સ્થાપના દિવસની આજરોજ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વૈવિધ્યસભર કાર્યક્રમો આયોજિત કરી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ, ડૉ. જગદીશ ભાવસાર, રજીસ્ટ્રાર ડૉ. પિયુષ પટેલે ગુજરાત યુનિવર્સિટી પરિવારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધ્યાપકઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત યુનિવર્સિટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના ગૌરવશાળી ગાનને સામુહિક ગાવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી પરિવારના તમામ સંવર્ગ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના સ્થાપના દિવસની યાદમાં ૩૧૦ વૃક્ષોનું વાવેતર કરીને સ્થાપના દિવસ સ્મૃતિ વન ઉભુ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડીંગમાં અને ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલા જુદાં જુદાં ભવનોમાં વૈવિધ્યસભર રંગોળી કરવામાં આવી હતી.

              યુનિવર્સિટીના ગૌરવશાળી ટાવર તેમજ યોગ કર્મસુ કૌશલમ ધ્રુવ વાક્યને ધ્યાનમાં રાખીને દોરવામાં આવેલી રંગોળીની કુલપતિ, ઉપકુલપતિ તેમજ રજીસ્ટ્રારે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત નિરીક્ષકોની ટીમે પણ મુલાકાત લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના તમામ ભવનોમાં પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ અધ્યાપકો, પીએચડી, એમફીલના વિદ્યાર્થીઓનું સન્માન આયોજીત કરાયું હતું. ગુજરાત યુનિવર્સિટીની ગૌરવશાળી ઈમારતને રોશનીથી શણગારવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના સ્થાપના દિવસે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ સંશોધન, સહકાર અને સમન્વય થકી ગુજરાત યુનિવર્સિટીને વધુ ઉંચાઈ પર પહોંચાડવાના પ્રયાસ હાથ ધરવા અપીલ કરી હતી તેમજ ગૌરવને વધારનારા સૌને વંદન કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના સ્થાપના દિવસે રંગોળી કરનાર તમામ વિભાગ, ભવનોને પ્રશસ્તિ પત્ર આપવાની જાહેરાત કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં ગુજરાત યુનિવર્સિટીના લોગો સાથેની વિદ્યાર્થીલક્ષી વસ્તુઓના વેચાણનું કેન્દ્ર વિદ્યાર્થી પણ આજે ખુલ્લું મુકાયું હતું.

(9:38 pm IST)