Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સુરત : અમરોલી બ્રિજ ઉપર બસે કારને ટક્કર મારી દીધી

સીટી બસે ચોથા દિવસે પાંચમો અકસ્માત સર્જયો : કારચાલકનો બચાવ થયો : અકસ્માતને લઈને લોકો ખફા

અમદાવાદ, તા.૨૩ : સુરતમાં તાજેતરમાં બે દિવસમાં ચારનો ભોગ લઈને વિવાદમાં આવેલી સીટી(બીઆરટીએસ) બસે આજે સતત ચોથા દિવસે પાંચમો અકસ્માત સર્જ્યો હતો. અમરોલી બ્રીજ પર સીટી બસે કારને ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા જાનહાનિ પહોંચી નહોતી. જો કે, સીટી બસની ટક્કરના કારણે કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. સતત પાંચ દિવસથી ગંભીર અને જીવલેણ અક્સ્માતો સર્જતી બીઆરટીએસ બસની સેવાને લઇ હવે સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સુરતમાં સટી બસ હવે યમદૂત સમાન બની રહી હોઇ નાગરિકોમાં તાત્કાલિક ધોરણે સીટી બસ સેવા બંધ કરવા માંગણી ઉઠાવી છે તો, કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વ્યાપક જનસમર્થનમાં સુરતમાં માંતેલા સાંઢની જેમ નિર્દોષ નાગરિકોના ભોગ લઇ રહેલી સુરત બીઆરટીએસ બસ સેવા બંધ કરવા ઉગ્ર માંગ કરી છે. સુરત શહેરમાં ફરતી બ્લૂ કલરની સીટી બસ દિવસેને દિવસે જોખમી અને યમદૂત સમાન સાબિત થઈ રહી છે.

             સુરતમાં અમરોલી બ્રીજ પરથી પસાર થતી ૨૧૨ નંબરની બસ(જીજે ૦૫ બીએક્સ ૨૬૩૦) આગળ જતી ઈકો કાર (જીજે ૦૫ જેકે ૭૭૮૨)ને ટક્કર મારી હતી. જેથી કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. કારમાં સવાર લોકોને કોઈ ઈજા પહોંચી નહોતી પરંતુ અકસ્માતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ચારેક દિવસમાં પાંચમા અકસ્માતની ઘટના સામે આવતાં હવે સુરતવાસીઓમાં બીઆરટીએસ બસ સેવાને લઇ એક પ્રકારના ભય અને ફફડાટની લાગણી ફેલાવા પામી છે.

            જાગૃત નાગરિકોએ અને ખાસ કરીને તેમના સમર્થનમાં ઉતરી આવેલા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સુરતના માર્ગો પર માંતેલા સાંઢની જેમ બેફામ દોડી રહેલી અને નિર્દોષ નાગરિકોના ભોગ લઇ રહેલી બીઆરટીએસ બસ સેવા તાત્કાલિક ધોરણે બંધ કરવા સુરત મનપા સત્તાવાળાઓ સમક્ષ માંગ કરી છે. આગામી દિવસોમાં મામલે ઉગ્ર આંદોલન થાય તેવા પણ સંકેત કોંગ્રેસ દ્વારા અપાયા છે.

(8:36 pm IST)