Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ડ્રગ્સ માફીયાઓ સામે મધરાતથી પરોઢ સુધી વડોદરામાં મેગા ઓપરેશન

૧૦ ટીમો અને ડ્રગ્સની સ્મેલ પારખવામાં માસ્ટરી ધરાવતા ડોગ સ્કવોડ સાથે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં પ૬ યુવક-યુવતીઓ અને ડ્રગ્સની દુનિયાના કુવિખ્યાતો ઝડપાયાઃ પોલીસ પર પથ્થરમારોઃ બંધાણીઓ દ્વારા ફેંકાયેલી પડીકીઓ બીનવારસી મળી : જાણીતા પરિવારો તથા મધ્યમ વર્ગના માતા-પિતાઓ દ્વારા ચોંધાર આંસુએ અનુપમસિંહ ગેહલોત સમક્ષ થયેલી રજુઆતથી પોલીસ કમિશ્નર પણ દ્રવી ઉઠયાઃ પડદા પાછળની કથા

રાજકોટ, તા., ૨૩: ગુજરાતમાં દારૂની માફક ડ્રગ્સ વેચાણ અને ડ્રગ્સ સેવનમાં થયેલા અધધ ચિંતાજનક વધારાના પગલે-પગલે ગુજરાતના મહાનગરોમાં ડ્રગ્સ માફીયાઓ તથા ડ્રગ્સ સપ્લાયરો સામે ઓપરેશન શરૂ થયું છે. વડોદરામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચની ૧૦ ટીમો કે જેમાં ડ્રગ્સની સ્મેલ ઓળખવામાં માસ્ટરી ધરાવતા ડોગ સ્કવોડ સાથેની ટીમો મેદાને પડતા પ૬ જેટલા યુવક-યુવતીઓ તથા કુવિખ્યાત ડ્રગ્સ સપ્લાયરો મધરાતથી પરોઢ સુધીની ઝુંબેશ દરમિયાન ઝડપાઇ ગયાનું બહાર આવ્યું છે.

દરોડાની કાર્યવાહીનું સુપરવીઝન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર જયદીપસિંહ જાડેજા  દ્વારા કરવામાં આવી રહયું છે. ઓપરેશન દરમિયાન કુવિખ્યાત ડ્રગ્સ સપ્લાયર મઢી, બકુલા વિગેરેને રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા છે. પોલીસનો આકરો મિજાજ જોઇ ડ્રગ્સના બંધાણીઓએ ૩૦ થી વધુ પડીકીઓ ફેંકી દીધાની જાણ નાગરીકો દ્વારા પોલીસ કમિશ્નરને થતા આ જથ્થો કબ્જે કરવામાં આવેલ. ઓપરેશન દરમિયાન પોલીસ કાફલા ઉપર પથ્થરમારો પણ કરવામાં આવેલ.

વડોદરામાં અન્ય મહાનગરોની જે આકરી ઝુંબેશ શરૂ થઇ છે તેની પાછળ એવું કારણ બહાર આવ્યું છે કે સંસ્કારી નગરી  વડોદરાના સંખ્યાબંધ ઉચ્ચ વર્ગના તથા મધ્યમ વર્ગના લોકો દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક કરી તેઓના પુત્ર-પુત્રીઓ ડ્રગ્સના રવાડે ચઢી ગયાની ચોધાર આંસુએ રજુઆત કરતા ખુદ અનુપમસિંહ ગેહલોત ભાવવિભોર થવા સાથે તેમની આંખો પણ ભીની થઇગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ઓપરેશન શરૂ કર્યાની પર્દા પાછળની હકિકત હોવાનું સુત્રો જણાવે છે.

(11:56 am IST)