Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અંકલેશ્વરઃ કપાસની ગાંસડી ભરેલી ટ્રકના લૂંટનો ભેદ ઉકેલાયો : બે શખ્સોની ધરપકડ:મુદામાલ રિકવર

જસદણના સોમનાથ કોટેક્ષ જીનમાંથી 125 નંગ કપાસની ગાંસડી ભરીને ટ્રક તામિલનાડુના કોઇમ્બતુર જઈ રહ્યો હતો

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વણ ઉકેલાયેલા ગુનાઓને ઉકેલવા માટે બનાવેલી ખાસ ટીમે એક ગુનાને ઉકેલી નાંખ્યો છે. જેમાં ગત 18મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રથી તામિલનાડુ તરફ કપાસની ગાંસડી ભરીને જતી ટ્રકને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી હતી. જે લૂંટના ગુનામાં જીઆઈડીસી પોલીસે સુરતમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 125 કોટનની ગાંસડીઓ અને ટ્રક પણ રિકરવર કરવામાં આવી છે.

  ગત તારીખ 18 ઓક્ટોબરનાં રોજ એક ટ્રક નંબર TN 34 U 9927નો ચાલક પ્રભુ પલની વનિયર જસદણ તાલુકાનાં સોમનાથ કોટેક્ષ જીનમાંથી 125 નંગ કપાસની ગાંસડી ભરીને તામિલનાડુના કોઇમ્બતુર જઈ રહ્યો હતો. આ ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન આ ટ્રક માલિકની શ્રીરામ ફાઈનાન્સની ઓફિસ રાજપીપળા ચોકડી પાસે આવેલી હોય ડ્રાઈવરે ટ્રક ઉભી રાખી પોતાની ઓફિસે ડ્રાઇવર પ્રભુ પલની વનિયર તેમજ જોડેના ડ્રાઇવર અંબુરાજ જયરાજ વનિયરને ત્રણ જેટલા અજાણ્યા હિન્દી ભાષી ઈસમોએ બંધક બનાવ્યા હતા. બાદમાં આંખે પાટા બાંધી દઈ લઈ રસ્તામાં છોડીને નાસી છૂટ્યા હતા. ત્રણ જેટલા ઈસમોએ ચોરી કરી હોવાની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયી હતી.

  આ ગુનાને ઉકેલવા માટે પોલીસે બનાવેલી એક ટીમને મળેલી બાતમીનાં આધારે સુરતમાંથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રકાશસિંગ છગનસીંગ રાજપુરોહિત હાલ રહે સેલવાસ અને મૂળ રાજસ્થાનનો વતની તથા શૈલેષ શંકરલાલ પરમાર હાલ રહે સુરત, અને મૂળ રાજસ્થાનનો વતનીને ઝડપી પાડ્યા છે. તેમની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ટ્રક અને કપાસની ગાંસડીઓની ચોરીની કબૂલાત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેમની પાસેથી 125 કપાસની ગાંસડી તેમજ ટ્રક સહિતનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:17 pm IST)