Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીપૂર્ણેશભાઇ મોદી સુરત ખાતે શુભેચ્છા મુલાકાત માટે ઉપસ્થિત રહેશે : લોકો પોતાની ફરિયાદ અને પ્રશ્નો રજૂ કરી શકશે

ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીની જન્મદિવસની ૧૬૭- સુરત (પશ્ચિમ) વિધાનસભામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ

સુરત : ગુજરાત સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી  પૂર્ણેશભાઇ મોદી (માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ) આવતીકાલે તા. ૨૩મી ઓક્ટોબર -૨૦૨૧ના શનિવારના રોજ સુરત ખાતે પધારી રહ્યા છે. પૂર્ણેશભાઇ મોદી આવતીકાલે સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી પંડિત દીનદયાળ ભવન, ભાજપ કાર્યાલય, ઉધના મેઇન રોડ, સુરત મુકામે લોકોને શુભેચ્છા મુલાકાત માટે ઉપસ્થિત રહેશે. આ સમય દરમિયાન રજૂઆતકર્તાઓ પોતાની ફરિયાદ અને પ્રશ્નો લેખિતમાં રજૂ કરી શકશે.

 તા.૨૨મી ઓક્ટોબર, શુક્રવારના રોજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ  અને ગુજરાત સરકારના . કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના જન્મદિવસની ૧૬૭- સુરત (પશ્ચિમ) વિધાનસભામાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જન્મદિવસ નિમિત્તે  (૧) સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન તપ્તેશ્વર મહાદેવ મંદિર અને (૨) ગોરાટ હનુમાન મંદિર, રાંદેર રોડ ખાતે ડાયાબિટીશ અને થાઇરોડ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. (૩) સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન ગોરાટ હનુમાન ચોક, રાંદેર રોડ ખાતે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠ અને (૪) સવારે ૯.૦૦ થી ૧૧ વાગ્યા દરમિાયન અટલ આશ્રમ, પાલ ખાતે હનુમાન ચાલીસા અને હવનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ (૫) સવારે ૯.૦૦ કલાકે બદ્રીનારાયણ મંદિર,

અડાજણની આજુબાજુની પાંચ આંગણવાડીના બાળકો માટે ફ્રૂટ અને નાસ્તા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. (૬) સવારે ૮.૦૦ થી ૧૧ વાગ્યા દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિર, અડાજણ ખાતે હનુમાન ચાલીસા અને હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન હાથ ધરાયું હતું. સાથે સાથે (૭) સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા દરમિયાન બદ્રીનારાયણ મંદિર, બાપ્સ હોસ્પિટલ, અડાજણ ખાતે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. (૮) સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર, રાંદેર રોડ ખાતે અનાથ બાળકીને અભ્યાસ માટેની જરૂરિયાત મુજબની કીટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. (૯) બપોરે ૧૨ કલાકે ભાઠા-પાલ ખાતે આવેલ હોટલ વિશાલા ખાતે સંપ્રતિ ફાઉન્ડેશનના સૌજન્યથી મૂકબધિર બાળકો-દિવ્યાંગ બાળકો સાથે સંવેદનાસભર ભોજનનું આયોજન કરાયું હતું. જ્યારે (૧૦) લઘુમતિ સમાજ દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે ઝૈનબ હોસ્પિટલ, લાઇફલાઇન હોસ્પિટલ અને સાયોજના હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. (૧૧) આજે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન ગાયત્રી પરિવાર દ્વારા મીની વિરપુર ધામ, પાલનપુર જકાતનાકા ખાતે ગાયત્રી યજ્ઞ, ભજન અને ૧૦૦૧ દિવડાની આરતી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યો અને સેવાકીય કાર્યોમાં સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે વિવિધ સેવાકીય કાર્યોનો મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.

(6:18 pm IST)