Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

નાંદોદ તાલુકાના બીડ ગામની ગટર, પાણીની સમસ્યા બાબતે સંસદ મનસુખભાઇ વસાવા મેદાનમાં આવ્યા

બીડ ગામના ગ્રામજનો તંત્રને ફરીયાદો કરી કંટાળી ગયા બાદ સંસદ મનસુખભાઇને રજુઆત કરતા સંસદે કલેકટરને પત્ર લખ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકમાં આવેલા બીડ રસેલા ગામમાં ઘણા સમયથી ગટર અને પાણીની ગંભીર સ્થિતિ બાબતે ઘણી રજૂઆતો બાદ પણ કોઈ ન સાંભળતા આખરે ભરૂચ સંસદ મનસુખભાઇ વસાવા આગળ આવ્યા અને આજરોજ નર્મદા કલેકટર ને એક પત્ર લખી આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું છે.
  સંસદના પત્રમાં લખ્યા મુજબ નાદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઇન તથા પીવાના પાણીની ભારે ગંભીર સમસ્યા છે. બે સમસ્યાથી લોકો ખુબ જ દુ:ખી છે. બીડ ગામના આગેવાનોએ મને લેખીત રજુઆત કરી છે. છેલ્લા ૬ મહિનાથી ગટર તુટી જતા જેનું ગંદુ પાણી આખા ગામમા ફેલાઇ રહ્યુ છે. ગામ લોકો શાળાના નાના બાળકો,શિક્ષકો ને આવવા જવાની ખુબ જ તકલીફ પડે છે. આ ઉપરાંત ગામમાં પીવાના પાણીનો મીઠો બોર હતો તેમાંથી સરપંચ તથા તલાટી કાઢીને લઇ ગયા છે. ખુબ રજુઆત કરતા મોટર મીઠા પાણીના બોરમાં નાખવા ને બદલે જુના દુષિત પાણીવાળા બોરમાં મોટર નાખી છે. આ બોરનું પાણી દુષિત છે. પીવા લાયક નથી, ગામ લોકો ૧ કિલોમીટર દુર રસેલાથી પાણી લાવીને પીએ છે. માટે આ બન્ને સમસ્યાથી લોકો હેરાન થઇ ગયા છે. સરપંચ તથા તાલુકા પંચાયત ને જાણ કરવા છતા કોઇ પણ સાંભળતું નથી. તેથી આપને મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરી ઉપરોક્ત બન્ને પ્રશ્નોનું નિકાલ લાવવા યોગ્ય ઘટતું કરશો.
જોકે આજરોજ નાંદોદ તાલુકા કારોબારી સમિતી ચેરમેન દિવ્યેશભાઈ વસાવા,નાંદોદ તાલુકા ન્યાય સમિતી ચેરમેન મુકેશભાઈ રોહિત, નાંદોદ તાલુકા પ્રમુખ હરેશભાઈ વસાવા તથા રસેલા ગ્રામ પંચાયત તલાટી નીતાબેન પટેલ એ બીડ ગામી સમસ્યા બાબતે મુલાકાત લઇ આ કમિટી દ્વારા બીડ ગામના પ્રશ્નોનું તત્કાલ નિવારણ આવશે તેવી બીડ ગ્રામજનો ને સાંત્વના આપી હતી, જોકે ગામના સરપંચ આજે પણ સ્થળ પર આવ્યા ન હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.

 

(10:12 am IST)