Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે 59.25 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ 30 પ્રોજેકટ માટે રૂ. 890 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ 59.25 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ ફ્લાય ઓવરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ ગાંધીધામ નગરને આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ 30 પ્રોજેકટ માટે રૂ. 890 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 156 કરોડ રૂપિયાની જોગવાઇ 2021-22ના વર્ષ માટે કરવામાં આવી છે.

(10:37 am IST)