Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભારતમાં સૌ પ્રથમ વખત સ્માર્ટ લાઇટ રેટ્રોફિટ પ્રોજેક્ટનો અમદાવાદમાં અમલ

12,087 કંટ્રોલર વડે 20,000થી વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ કરાશે

અમદાવાદઃ અમદાવાદમાં વિધ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ મારફતે ભારતમાં સૌપ્રથમ વખત સ્માર્ટ લાઇટ રેટ્રોફિટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. સ્માર્ટસિટી અમદાવાદ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત LoRaWAN ટેક્નોલોજી સાથેનો સ્માર્ટ લાઇટ કંટ્રોલર રેટ્રોફિટ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં 12,087 કંટ્રોલર વડે 20 હજારથી વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટને કંટ્રોલ કરી શકાશે, જેમા હાલની એલઇડી સ્ટ્રીટ લાઇટને LoRaWAN ટેક્નોલોજી વડે સ્માર્ટ સિટી અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડીને સ્ટ્રીટ લાઇટને લગતી સગવડો જેવી કે લાઇટ શરૂ કરવી, બંધ કરવી, દૈનિક મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન ઊર્જાની બચત કરવી તેમજ અન્ય કામગીરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરી શકાશે.

જો કોઈ સ્ટ્રીટ લાઇટ કોઈ કારણસર બંધ થાય તો તેની ત્વરિત માહિતી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે, જેના લીધે સ્ટ્રીટલાઇટના ફરિયાદના નિવારણનો સમયગાળો ઓછો થશે. વધુમાં આ કંટ્રોલરની મદદથી એસ્ટ્રોનોમિકલ મોડ તેમજ લક્સ મોડ વડે સ્ટ્રીટ લાઇટનો અસરકારક ઉપયોગ કરી ઊર્જાની બચત પણ થઈ શકશે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ગો-લાઇવ સ્માર્ટ સિટી ખાતે આપવામાં આવ્યુ હતુ. તેમા સ્માર્ટ સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ સ્ટ્રીટ લાઇટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સ્માર્ટ સિટીના જનરલ મેનેજરની હાજરીમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ નાગરિકોને જાહેર માર્ગો પર રાત્રિના સમયે અવિરત પ્રકાશ મળી રહે અને ઊર્જાની બચત થાય તે સુનિશ્ચિત કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદરૂપ થશે.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે રથયાત્રા રુટ, તાજિયા રુટ, સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ રોડ, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો, લો-ગાર્ડન, વી.આઇ.પી. રોડ્સ, લો-ગાર્ડન, ઝાયડસ, કેડિલા, ગાંધીનગર હાઇવે, ગાંધી આશ્રમ તમામ સ્થળો આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે

(11:16 pm IST)