Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અઠવાડિયામાં ૩૩ બેંક કર્મચારીને કોરોનાનો ચેપ

સુરતમાં બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ : શહેરમાં વિવિધ બેંકની અલગ-અલગ બ્રાંચમાં કામ કરતા કર્મચારીના કોરોના ટેસ્ટ કરાતા પોઝિટિવની સંખ્યા વધી

સુરત,તા.૨૩ : આઈસીઆઈસીઆઈ બેંકની સહારા દરવાજા બ્રાંચના છ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સુરતની વિવિધ બેંકોમાં ૩૩ કર્મચારીઓને કોરોના થઈ ચૂક્યો છે. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ બેંકોમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એસએમસીના જણાવ્યા અનુસાર, આખા શહેરમાં વિવધ બેંકોની અલગ-અલગ બ્રાંચમાં કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વળી, બેંકોમાં લોકોની અવરજવર પણ વધારે રહેતી હોવાથી પણ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ પર ખાસ ભાર અપાઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં ૩૩ બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં પારસી શેરીમાં આવેલી પીપલ્સ બેંકના ૨૦ અને સલાબતપુરામાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચના ૭ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

                   સુરત મ્યુ. કોર્પોરેશન દ્વારા બેંકોને કોરોના અંગેની તમામ ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવા અને ગ્રાહકો પણ તેનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસ થોડાઘણા અંશે કાબૂમાં આવ્યા છે. જોકે, કોર્પોરેશન દ્વારા રોજેરોજ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય તેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકોનું મોટાપાયે ટેસ્ટિંગ શરુ કર્યું છે. સુરત જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૨૦૦૬ છે, અને સાજા થનારા દર્દીઓની સંખ્યા ૩૨,૦૨૨ પર પહોંચી છે. હાલ જિલ્લામાં ૨૭,૧૬૮ લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે અને મૃત્યુઆંક ૮૨૮ નોંધાયો છે. ગઈકાલે સુરત શહેરમાં નવા ૧૬૭ કેસ નોંધાયા હતા, અને ૧૮૨ લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો. સરકારી આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૧૨૧ થઈ ગઈ છે, જ્યારે ૫.૪૩ લાખ લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાને કારણે ૩,૬૬૭ લોકોના મોત થયા છે.

(7:40 pm IST)