Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ ચૂંટાયા

દેશની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના હોદ્દેદારોની ચૂંટણી : ડેરીના વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ પણ એક ઉમેદવારે હાઈકોર્ટમાં રિટ કરી હોઈ પરિણામ નવેમ્બરમાં

ખેડા,તા.૨૩ : દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની ખાદ્ય ચીજ વસ્તુઓ માટે જણાતી સહકારી સંસ્થા આણંદ જિલ્લાની અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમૂલના નિયામક મંડળના ૧૫ ડિરેક્ટરો અને ૩ રાજ્ય સરકારે નિમણૂક કરેલા ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. જોકે, ગત ટર્મના અમૂલના ચેરમેન રામસિંહ પરમારની સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ ચેરમેન તરીકે તેઓ બિન હરીફ ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેનના પદ માટે મતદાન થયું હતું. ચૂંટણી બાદ રામસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં સભાસદોના કલ્યાણ માટે કામ કરતા રહેશે. નિયામક મંડળ હંમેશા સાથે રહીને કામ કરતું રહેશે. અમૂલ નિયામક મંડળની વાઇસ ચેરમેનની ચૂંટણી માટે કૉંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને રાજ્ય સરકાર નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી. આ માટે આજે મતદાન પણ થયું હતું.

              જોકે, ગત વખતના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હોવાથી વાઇસ ચેરમેનની ચૂંટણી ચોક્કસ યોજાઈ હતી પરંતુ તેનું પરિણામ હાઇકોર્ટ તરફથી આગામી નવેમ્બર માસમાં જાહેર કરવામાં આવશે. બીજી તરફ અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં સરકારી ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ પત્રકારોને ચૂંટણી સંબંધી કોઈ જ માહિતી આપી ન હતી. ચૂંટણી અંગે રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તમામ ડિરેક્ટરોએ મારા તરફી મતદાન કર્યું છે. ખૂબ સારી રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હાઇકોર્ટનો નિર્ણય આવશે ત્યારે હું ચોક્કસ વાઇસ ચેરમેન તરીકે નિમણૂક પામીશ. તમામ ડિરેક્ટરોએ મને આશીર્વાદ આપ્યા છે. હું તેમનો બધાનો આભાર માનું છું. બિનહરીફ ચૂંટાયા બાદ અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, ચૂંટાયેલા સભ્યો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ મને બિનહરીફ તરીકે ચૂંટ્યો છે. વાઇસ ચેરમેન પદે બે ફોર્મ ભરાયા હતા. જેમાં ગુપ્ત મતદાન થયું છે. જેનું પરિણામ કોર્ટમાં જ જાહેર કરવામાં આવશે. અમૂલમાં ક્યારેય કોઈ વિવાદ નહીં થાય. કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરી શકે છે. સાથે રહીને જ નિયામક મંડળ કામ કરશે. સભાસદોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નિયામક મંડળ કામ કરશે.

(7:40 pm IST)