Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેશમાં પ્રથમ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલઃ કોરોના મહામારી વચ્ચે વડીલ સુખાકારી સેવા અમલમાં : હાઇવે પર ટેન્શન- મધુપ્રમેહ, કિડનીનાં રોગોથી પીડાતા વડીલ દર્દીઓની ઘરે બેઠા જ આરોગ્ય તપાસણી કરાશે

ગાંધીનગર, તા., ર૩: રાજયના અધિક મુખ્ય સચિવ અને વહીવટી સંચાલક ડો.રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છેકે મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ મહિનામાં લેવાયેલ શ્રેણીબધ્ધ પગલાઓના ફળસ્વરૂપે અમદાવાદ શહેરના કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મહદઅંશે સુધારો થયેલ છે. કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓ જેવી કે ધનવંતરી આરોગ્ય રથ, ૧૦૪ યોજના, સંજીવની સેવા, ડોકટર મિત્ર યોજના, કોરોના સાંત્વના યોજના વગેરે ખુબ જ અસરકારક સાબીત થયેલ છે. આમ છતાં આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારોને તથા શિયાળાના ઠંડીના દિવસોને ધ્યાને લેતા શ્વસનતંત્રને લગતા ચેપની સંભાવના વધારે હોય વયોવૃધ્ધ  વડીલો અને ખાસ કરીને જેઓ હાઇપર ટેન્શન, મધુપ્રમેહ, કીડનીના રોગો જેવા અન્ય રોગોથી પણ પીડાતા હોય () તેમની વિશેષ કાળજી લેવી જરૂરી બની જાય છે.

આજ રોજ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં મ્યુનિસીપલ કમિશનરશ્રી મુકેશ કુમાર આઇ.એ.એસ. જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશનરશ્રીઓ, ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થની ઉપસ્થિતિમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા  એક નવીન પહેલ કરી વડીલ સુખાકારી સેવા અમલમાં મુકી વયોવૃધ્ધ વડીલો અને ખાસ કરીને જેઓ હાઇપર ટેન્શન, મધુપ્રમેહ, કીડનીના રોગો જેવા અન્ય રોગોથી પણ પીડાતા હોય () તેમની વિશેષ કાળજી લેવા  ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ યોજના  અંતર્ગત ૩ પેરા મેડીકલ સભ્યોની બનેલી એક ટીમ આવા વડીલોની ઘરે બેઠા આરોગ્ય તપાસણી કરશે. જેમાં શરીરનું તાપમાન, લોહીનુ દબાણ, ઓકસીજન લેવલ, નાડીના ધબકારા તથા બ્લડ સુગરની માપણી કરશે. તથા દર્દીના અન્ય રોગો વિશે માહીતી નોંધશે.  વડીલોને તેમના ઘરે મુલાકાત લઇ તેમની  રોગ પ્રતિકારક શકિત વધે તે માટે ખાસ ઇમ્યુનીટી બુસ્ટર પેકટ આપવામાં આવશે કે જેમાં વિટામીન સીની ગોળીઓ, ઝિન્ક ટેબલેટ, શમશમીવટી, આર્સેનીકમ આલ્બમ વગેરે વિના મુલ્યે આપવામાં આવશે. વડીલોના આરોગ્ય ચકાસણીની તમામ વિગતો જાળવવા  તથા તેનું વિશ્લેષણ કરવા માટે એક અનોખુ મોબાઇલ ફોન આધારીત સોફટવેર વિકસાવવામાં આવેલ છે. જે વડીલો કોવીડને લગતા લક્ષણો ધરાવતા જણાવશે. તેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ તેમના ઘરે જ કરવામાં આવશે અને રીપોર્ટ પોઝીટીવ આવે તેવા કિસ્સામાં કોરોના સંજીવની ટીમને જરૂરી સારવાર માટે તબદીલ કરવામાં આવશે. આમ વડીલ સુખાકારી સેવા થકી મોટી ઉંમરના અને અન્ય રોગો ધરાવતા લોકોમાં કોરોના સંક્રમણની આગોતરી તપાસ થઇ શકશે અને અચાનક તબીયત વધુ બગડતી અટકાવી શકાશે. પ્રારંભીક તબક્કામાં આ વિશિષ્ટ સેવા હેઠળ ૧૦૦ ટીમ કાર્યરત કરીને દરરોજના લગભગ ર૦૦૦ વડીલોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. કોરોના મહામારી સામેની ચાલુ લડત દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વડીલોની કાળજી માટેની આવી વિશિષ્ટ સેવા શરૂ કરવા કરાયેલ પહેલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ છે.

(5:11 pm IST)