Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમદાવાદના યુ.એન. મહેતા હોસ્‍પિટલનું કાલે નરેન્‍દ્રભાઇના હસ્‍તે ઇ-લોકાર્પણઃ હાઇફાઇ ટેક્‍નોલોજી સાથે અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ધ

અમદાવાદ: અમદાવાદમાં નવી બનાવાયેલી બાળ હૃદયરોગ હોસ્પિટલનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 470 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર કરવામા આવી છે. જે હૃદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ત્યારે હોસ્પિટલના લોકાર્પણ પહેલા તેની અંદરનો નજારો કેવો દેખાય છે તે જોઈ લઈએ. વિદેશોમાં હોય તે કન્સેપ્ટથી આ હોસ્પિટલમાં બનાવાઈ છે.

યુ.એન.મેહતા હોસ્પિટલની વાત કરીએ તો, હાલ 450 બેડની સુવિધાને બદલે 1251 બેડ સાથે બનીને તૈયાર થઈ ચૂકી છે. નવી તૈયાર થયેલી આ બાળ હૃદયરોગ હોસ્પિટલની વાત કરીએ તો 8 માળની ઈમારતમાં 8 લાખ ચોરસફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. નવા રંગરૂપ સાથે તૈયાર થયેલી આ યુ.એન. મહેતા હોસ્પિટલમાં હાઈફાઈ ટેકનોલોજી સાથે સુવિધા ઉભી કરાઈ છે.

આ વિશે યુએન મહેતા હોસ્પિટલના આરએમઓ કૌશિક બારોટ જણાવે છે કે, આ હોસ્પિટલ રૂપિયા 470 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં 450 બેડથી વધીને 1251 બેડની સુવિધા હવે મળતી થશે. 8 માળની ઈમારતમાં 8 લાખ ચોરસફુટમાં અદ્યતન બાંધકામ કરાયું છે. બિલ્ડીંગમાં વીજળી બચતનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ગ્રીહા તરફથી તેને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે.

બાળકોનાં હૃદયરોગ માટેની આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક સુવિધા છે. અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર, અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીઝિયોલોજી, હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ (લેબોરેટરી અને ફાર્મસી માટે), નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ, એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ, ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન, મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગની સુવિધા અહી  ઉપલબ્ધ છે.

આ વર્ષની શરૂઆતમાં જ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં જ ઈનોગ્રેશન થવાનું હતું, પરંતુ કોરોનાના લોકડાઉનને ઈનોગ્રેશન રહી ગયું. જોકે, આ જ બિલ્ડીંગમાં કોરોના વોર્ડ પણ શરૂ કરાયો હતો. ત્યારે હવે કોરોનાનો કહેર ઓછો થતા આ બિલ્ડીંગમાં કોરોનાની સારવાર થતી નથી.

પીએમ મોદીના લોકાર્પણ બાદ આ હોસ્પિટલ સારવાર માટે ખુલ્લી મૂકાશે.

(4:51 pm IST)