Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમદાવાદના સરસપુર વિસ્‍તારની મ્‍યુનિસિપલ શાળા નં.3માં અડધા લાખનો વિદેશી દારૂ બિનવારસી હાલતમાં મળ્‍યોઃ કોરોનાકાળમાં શાળા બંધ હોવાથી બુટલેગરોએ છુપાવવા માટે નવું સ્‍થળ શોધી કાઢયુ

અમદાવાદ: સરસ્વતીના ધામમાં વિદેશી શરાબ. કદાચ આપ આ સાંભળીને વિચારમાં પડી ગયા હશો. જીહાં, પણ આ સત્ય છે. અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે આવેલી સરસપુર મ્યુનિસિપલ શાળા નમ્બર 3 ખાતે આશરે 47 હજારનો બિનવારસી હાલતમાં વિદેશીદારૂનો જથ્થો મળી આવતા શહેરકોટડા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોરોનાકાળના લીધે શાળાઓ હાલ પણ બંધ છે ત્યારે દારૂના બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા શાળાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો મામલો સામે આવતા બુટલેગરો કેટલા બેફામ બન્યા છે, તેની હકીકત સામે આવી છે.

સરસપુર શાળાના શિક્ષક જ્યારે શાળા ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા શાળાનો ગેટ ખોલવામાં આવ્યો અને સામે જ વિદેશી દારૂનો જથ્થો જોતા શિક્ષકે ત્વરિત પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ શહેરકોટડા પોલીસ શાળા ખાતે દોડી આવી હતી. પોલીસે શાળાના કમ્પાઉન્ડમાંથી 218 નંગ વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલિસે શિક્ષકની ફરિયાદના આધારે સમગ્ર મામલે અજાણ્યા ઈસમ સામે પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી અને આસપાસના રહીશોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી.

(4:50 pm IST)