Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટિઝને ક્રિટીકલ કન્ડીશન બાદ કોરોનાને પરાસ્ત કર્યો

સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બુધવારે રજા આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ :   સીનીયર સીટીઝન તથા કોમોર્બીડીટી વાળા વ્યક્તિને કોરોના થાય તો તેની સારવાર કરવી મુશ્કેલ માનવામાં આવી રહી છે. અમદાવાદ જીલ્લાના વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટિઝને ક્રિટીકલ કન્ડીશન બાદ કોરોનાને પરાસ્ત કર્યો અને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બુધવારે રજા આપવામાં આવી હતી. વિરમગામના 63 વર્ષીય સિનિયર સીટીઝનને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા 5 ઓક્ટોબરે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં તેઓને 2 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તબિયત બગડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સતત 7 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખ્યા બાદ 1 દિવસ વેન્ટિલેટર હટાવી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. પરંતુ ફરી તબિયત લથડતા તેઓને 2 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો થતાં તેઓને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા અને 21 ઑક્ટોબરના રોજ તેઓને સોલા સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી રજા આપવામાં આવી હતી અને તેઓ વિરમગામ પોતાના ઘરે પરત ફર્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના ઘરે મુલાકાત લઈને આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તેઓ સ્વસ્થ છે. વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટિઝને ક્રિટીકલ કન્ડીશન બાદ કોરોનાને પરાસ્ત કરતા પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોએ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ  જાળવવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઇએ તેમ વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું.

(3:58 pm IST)