Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવતઃ પીવીએસ શર્માની ૪૦ કરોડથી વધુ સંપત્તિ મળી

દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત છે

અમદાવાદ તા. ર૩ :.. આઇટીનો સમન્સ મળ્યા બાદ ટિવટર પર જવેલર્સ પર મની લોન્ડરીંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને સુરત ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલા દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત છે. નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવાના સવાલો ઉભા કરનાર શર્મા હવે જાતે જ મની લોન્ડરીંગ અને શેલ કંપનીના ઘેરમાં આવી ગયા છે. તપાસના પહેલા દિવસે શર્માની દસ જેટલી મીલ્કતો સામે આવી હતી. જેની બજાર કિંમત અંદાજે ૪૦ થી પ૦ કરોડ છે. ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.

આઇટી અધિકારીઓના જણાવ્યા મુજબ શર્માએ તપાસમાં સહકાર આપ્યો ન હતો. તેઓ દરેક કામમાં દખલ કરતા હતાં. આથી એક તબકકે અધિકારીઓએ એફઆઇઆર નોંધવાની પણ તૈયારી દર્શાવી હતી. મુંબઇની કુસુમ સિલીકોન કંપનીમાં પીવીએસ શર્માએ નોકરી બતાવી છે. જે કંપનીમાં તેઓ વર્ષ ર૦૧૧ થી જોડાયેલા બતાવાયેલા છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે. અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં ૯૦ લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. સુત્રો મુજબ મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોઇ પગાર કઇ બાબતનો ચૂકવવામાં આવે છે તેની તપાસ થઇ રહી છે. આ ઉપરાંત કુસુમ ડાય કેમ નામની પણ એક કંપની મળી છે. જેની પણ તપાસ ચાલી રહી છે. આમ તપાસનો રેલો હવે મુંબઇ સુધી પહોંચ્યો છે. શર્મા ન્યુઝ પેપર પણ ચલાવે છે. સંકેત મીડિયાની ઓફીસે પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જેમાં ૯૦ લાખનું ટ્રાન્ઝેકશન પણ બતાવાયું છે.

(4:02 pm IST)