Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

'નોટ ફોર વોટ' સાંભળ્યું હતું પણ 'વેકસીન ફોર વોટ' નવું આવ્યું: ભાજપ જનતાને મુર્ખ સમજે છે?

કોરોનાની રસી આવે કે ન આવે પણ જનતાએ ભાજપ નામનો રોગ ફરીથી ન આવે તેની રસી બનાવી લીધી છેઃ જયરાજસિંહ પરમાર

રાજકોટ,તા.૨૩: ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. ત્યારે ફ્રી માં વેકસીન આપવાની ભાજપે કરેલી જાહેરાતના પગલે ભારે વિવાદ સર્જાયો છે. દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા શ્રી જયરાજસિંહ પરમારે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે 'નોટ ફો વોટ' સાંભળ્યું હતું પણ 'વેકસીન ફોર વોટ' નવું આવ્યું છે. કોરોનાની રસી આવે કે ન આવે પણ જનતાએ ભાજપ નામનો રોગ ફરીથી ન આવે તેની રસી બનાવી જ લીધી છે.

તેઓએ જણાવેલ કે ભાજપના નેતાઓ બિહારની ચૂંટણીમાં વેકસીન મફત આપવાની વાત કરે છે. તો શું ભાજપના નેતાઓ જનતાને મુર્ખ સમજે છે? જનતાને સમજે છે શું એ મને સમજાતું નથી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે પોલીયોની રસી, શિતળાની રસી, ઓળી, અછબડા કે પછી બીસીજીની રસી હોય આવી અનેક રસીઓ માટે પૈસા લીધા નથી. રસી તો સરકાર મફત જ આપે છે એટલે ભાજપ જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરે.

પરંતુ જનતાએ રસી બનાવી લીધી છે, કોરોનાની રસી આવે કે ન આવે જનતાએ રસી બનાવી લીધી છે એ બિહારની ચૂંટણી હોય, પશ્ચિમ બંગાળની ચૂંટણી કે પછી ગુજરાતની પેટા ચૂંટણી હોય જનતાએ રસી બનાવી લીધી છે જે આપી દેવાની છે અને આ ભાજપનો રોગ ન થાય તેની રસી બનાવી લીધી છે. તેમ શ્રી જયરાજસિંહ પરમારે નિવેદનના અંતમાં જણાવ્યું હતું.

(11:43 am IST)