Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદ : શેરાટોન હોટલના ગ્રાહકોના ATM ડેટા ક્લોન કરી રોકડ વિડ્રો કરવાનું કૌભાંડ :રિસેપ્શનિસ્ટ સહીત બે ઝડપાયા

કસ્ટમરોના ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ થયાની ફરિયાદો બાદ સાયબર સેલની ટીમે બંનેને ઝડપી પાડ્યા

અમદાવાદ: ગુજરાત કોલેજ પાસે ફોર પોઇન્ટ્સ બાય શેરાટોન હોટલના રિસેપ્શનિસ્ટ સહિત બે આરોપીઓની સાયબર સેલની ટીમે ધરપકડ કરી છે. હોટલના રિસેપ્શનિસ્ટ સહિતના આરોપીઓ ગ્રાહકોના એટીએમ કાર્ડના ડેટા ક્લોન કરી બેંક એકાઉન્ટમાંથી બારોબાર રોકડ વિડ્રો કરવાના રેકેટમાં સંડોવાયેલા હતા.

સાયબર સેલે શેરાટોન હોટલના રિસેપ્શનિસ્ટ અને મૂળ બિહારના રહેવાસી દિગ્વીજયકુમાર અરુણકુમારે સિંગ(હાલ રહે,કાપડીયા હાઉસ,એલિસબ્રિજ),યુવરાજ લક્ષ્મણસિંગ પરદેશી રહે આનંદવિહાર,દિલ્લી અને અતુલ ધરમશી ઘેલાણી( રહે ભાઈચંદનગર સોસોયટી, કતારગામ, સુરત )ની પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ શેરાટોન હોટલમાં રોકાયેલા કસ્ટમરોના ખાતામાંથી પૈસા ઉપાડી ઠગાઈ થયાની ફરિયાદો થઈ હતી. ઠગાઈની આ ઘટનામાં એટીએમ કાર્ડનો ઉપયોગ થયો હતો. આથી, સાયબર સેલમાં હોટલ મેનેજમેન્ટ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી.

સાયબર સેલએ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આરોપી રિસેપ્શનિસ્ટ દિગ્વીજયની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ દિગ્વીજય પોતાની પાસે પેમેન્ટ ટર્મિનલ મશીન અલગથી રાખતો હતો. ગ્રાહક પેમેન્ટ માટે એટીએમ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ આપે ત્યારે દિગ્વીજય કાર્ડ પોતાની પાસેના મશીનમા નાખી કાર્ડનો ડેટા ક્લોન કરી લેતો હતો. તે પછી મશીન બરોબર કામ કરતું ન હોવાનું કહી બેંક તરફથી ફાળવવામાં આવેલા પેમેન્ટ ટર્મીનલ મશીનમા કાર્ડ નાંખી પેમેન્ટ લેવાની પ્રક્રિયા પુરી કરતો હતો.

ગ્રાહકના કાર્ડનો ક્લોન કરેલો ડેટા દિલ્હી ખાતેના આરોપી યુવરાજ પાસે જતો હતો. ક્લોન ડેટા આધારે યુવરાજ ઓરીજીનલ ડેબિટ-ક્રેડિટ કાર્ડનું ક્લોન કાર્ડ બનાવી સુરત ખાતે અતુલને મોકલતો હતો. અતુલ જે તે ગ્રાહકના ખાતામાંથી ક્લોન કાર્ડથી રકમ વિડ્રો કરતો અને દિગ્વીજયને તેના ભાગની રકમ મોકલતો હતો.

આરોપીઓ પાસેથી ક્લોન કાર્ડ, પેમેન્ટ ટર્મિનલ મશીન પણ મળી આવ્યા છે. યુવરાજ આ એટીએમ કાર્ડ ડેટા ક્લોન કરવાના મશીનો વેપારી, હોટલના કર્મચારીઓને આપતો હતો. આ રીતે સમગ્ર રેકેટ ચાલતું હતું.

(12:16 am IST)