Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નર્મદા પ્રશાસન અને ગુજરાત સરકાર કેવડિયા વિસ્તારના આદિવાસીઓને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર કરી રહી હોવાના આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કેવડિયા બચાવો આંદોલન સમિતિના આગેવાન ડો.પ્રફુલ વસાવા એ તેમની રજુઆતમાં જણાવ્યું કે કેવડિયા વિસ્તારમાં બહારથી આવેલ પોલિસ જવાનોમા કોરોના પોઝીટીવના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે.છતાં સાહેબને ખુશ કરવા ૩૧ઓકટોબરનો કાર્યક્રમ થશે.જેવી રીતે વિદેશોમાંથી વિમાનોમા ભરી ભરી ને કોરોના આ દેશ ની સરકાર ભારતમા લાવી તે રીતે કેવડિયા આદિવાસી વિસ્તારમાં પોલિસ અને ફોર્સ ના જવાનો મારફતે કોરોના ફેલાવી રહ્યાના આક્ષેપ કેવડિયા બચાવો આંદોલન સમિતિ ના ડો.પ્રફુલ વસાવા એ કર્યા છે.
  તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ દિવસ આવી કરોડોના વિમાનમા બેસી ઉડી જાય તેની પાછળ રાજા મહારાજાઓની જેમ જાહોજલાલી - તાયફા થઈ રહયાં છે.સ્ટેચ્યુ ઓફ યુનીટી - વિયરડેમ થી જે ખેડુતોના ઉભા પાકને નુકસાન થયું,ખેડૂતોના ઘરોમાં પાણી ફરી વળ્યાં,આખાને આખા ઘરો અને ખેતરો વિયરડેમ ને કારણે તણાય ગયા તોય જાડી ચામડીની ભાજપ સરકારના પેટ નું પાણી હલતું નથી.વિયરડેમથી જમીન સંપાદન વગર જે જમીનોનું ધોવાણ નિગમની ભુલને કારણે થયું.સરદાર સરોવર નર્મદા નિગમને પોતાની ભુલ થયાંનું ભાન થતાં આખરે ૨૦ કરોડ રૂપિયા ફાળવતી સરકાર ૩૧ ઓકટોબર ની જાહોજલાલી માટે ૪૦ કરોડ ની માત્ર લાલ -પીળી લાઈટો લગાડે! એ કોના બાપ ની દિવાળી? સ્ટેચ્યુ ઓફ યુનીટી હવે સ્ટેચ્યુ ઓફ બિજનેસ બની ને રહી ગયું છે.જાે ગુજરાત સરકાર આદિવાસીઓ પ્રત્યે સંવેદનશીલ હોત તો ૪૦ કરોડ લાઈટો ને બદલે ગરુડેશ્વર વિયરડેમ થી નુકસાન થયેલ ખેડુતો માટે આ રકમ વાપરી હોત.ગરુડેશ્વર વિયરડેમ ને કારણે જે નુકસાન ખેડુતો ની ખેતી ને થઈ રહ્યું છે તે જાેતા ૫૦ કરોડ પણ આ સરકાર ફાળવે તો પણ ઓછા છે.તેમ ડો.પ્રફુલ વસાવા એ જણાવ્યું હતું.

(10:33 pm IST)