Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અશફાક-મોઇનુદ્દીનના ૭૨ કલાકના રિમાન્ડ મંજૂર થયા

મિરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ : લખનૌ ક્રાઇમબ્રાંચે ૯૬ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ માંગ્યા હતા : ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી

અમદાવાદ, તા.૨૩ : હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાના ચકચારભર્યા કેસમાં ગઇ મોડી રાત્રે શામળાજી ખાતેથી પકડાયેલા અશફાક હુસૈન અને મોઇનુદ્દીન એહમદ પઠાણને લખનૌ ક્રાઇમબ્રાંચે આજે આ કેસની વધુ તપાસ અર્થે ઉત્તરપ્રદેશ લઇ જવાના હેતુથી શહેરના મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે બંને આરોપીઓના ૯૬ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, મીરઝાપુર કોર્ટે બંને આરોપીઓના ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી હવે આ ૭૨ કલાક દરમ્યાન લખનૌ ક્રાઇમબ્રાંચ બંને આરોપીઓને હવે ઉત્તર પ્રદેશ લઇ જશે અને ત્યાં પહોંચ્યા બાદ તેઓની વિધિવત્ ધરપકડ કરી તેઓના ત્યાં ફરીથી વિધિવત્ રિમાન્ડ મેળવાશે. ગુજરાત એટીએસની ટીમ અને લખનૌ ક્રાઇમ બ્રાંચે આજે બપોરે આરોપી અશફાક હુસૈન અને મોઇનુદ્દીન એહમદ પઠાણને લોખંડી બંદોબસ્ત વચ્ચે મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

               બંને આરોપીઓને મોંઢા પર કાળુ કપડુ ઢાંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કે જેથી તેમની ઓળખ છતી ના થાય કે જાહેર ના થાય. લખનૌ ક્રાઇમબ્રાંચે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી તેઓના ૯૬ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, કમલેશ તિવારી હત્યા કેસમાં આ બંને મુખ્ય આરોપીઓ છે અને તેઓએ હત્યામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આ કેસમાં બંને આરોપીઓની વિધિવત્ ધરપકડ કરવી જરૂરી છે અને ગુનાનું જયુરીડીક્શન ઉત્તરપ્રદેશ રાજયનું હોઇ બંને આરોપીઓને અહીંથી ત્યાં લઇ જવાના છે અને તેથી પરિવહન દરમ્યાન આરોપીઓના ન્યાયિક રીતે ટ્રાન્ઝીટ રિમાન્ડ જરૂરી છે. તો, અદાલતે બંને આરોપીઓના ૯૬ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની ટ્રાન્ઝીટ રિમાન્ડ અરજી ધ્યાનમાં લીધા બાદ કોર્ટે અશફાક અને મોઇનુદ્દીનના ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

(8:33 pm IST)