Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાષ્ટ્રીય એકતા પરેડનું સુકાન બીએસએફ વડા જી.એસ.મલ્લિકને

પીએમના આગમન અંતર્ગત કેવડીયા કોલોનીની ઇવેન્ટનું સંચાલન સીધુ પીએમઓમાંથીઃ લોકરક્ષકથી લઇ એએસઆઇની રજા પરનો પ્રતિબંધ હટાવતા શિવાનંદ ઝા : ચિલોડાના બીએસએફ હેડ કવાર્ટરમાં તડામાર તૈયારીઓઃ આઇબી વડા મનોજ શશીધર સતત કેવડીયા દોડી રહયા છેઃ સેન્ટ્રલ આઇબીની ઇનપુટ આધારે નરેન્દ્રભાઇના સુરક્ષાચક્રને આખરી ઓપ

રાજકોટ, તા., ૨૩: સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની એકતા દિવસની ઉજવણી અંતર્ગત તાકીદના સંજોગોમાં કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિપોત્સવી તહેવારો પર જ પોલીસ તંત્રની રજા ઉપર પ્રતિબંધ મુકતો રાજયના પોલીસ વડા દ્વારા તા.૧૪ ઓકટોબરના રોજ કરવામાં આવેલ હુકમમાં  ફેરફાર કરી આ હુકમનો અમલ પીએસઆઇ કે તેથી ઉપરના અધિકારીઓ માટે જ ચાલુ રાખી લોકરક્ષકથી લઇ એએસઆઇ સવર્ગના  કર્મચારીઓ માટે રદ કરતો હુકમ પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવ્યો છે.

દરમિયાન બંદોબસ્તનું ઓવર ઓલ સુકાન જેમના શીરે છે તેવા ગુજરાતના આઇબી વડા મનોજ શશીધર સતત કેવડીયા  કોલોની ખાતે દોડતા રહે છે. ઉચ્ચ અધિકારીઓ  અને વડોદરા રેન્જ વડા તથા એસપીઓ સાથે  તમામ બંદોબસ્તની સ્કીમો અંગે ચર્ચાઓ કરી સેન્ટ્રલ આઇબીની ઇનપુટ મુજબ સતત  ફેરફારો સુચવી રહયાનું પણ ટોચના સુત્રો દ્વારા જાણવા મળે છે.

દરમિયાન દેશ લેવલની એકતા દિવસની ઉજવણીની પરેડ સહિતની મહત્વની  કામગીરીમાં કોઇ ચુક ન રહે તે માટેની જવાબદારી બીએસએફના ગુજરાતના વડા  જી.એસ.મલ્લીક સંભાળી રહયાનું અને બીએસએફ હેડ કવાર્ટર ખાતે તૈયારીનો ધમધમાટ ચાલી રહયો છે.

અત્રે યાદ રહે કે ઉકત બંદોબસ્ત ખુબ જ મહત્વનો હોવા સાથે સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લઇ કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ભલ્લા પણ  કેવડીયા કોલોનીની જાત મુલાકાત લઇ ગુજરાતના ચીફ સેક્રેટરી, એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) અને હોમ સેક્રેટરી, કલેકટર સહીતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી સતત માર્ગદર્શન આપે છે. અત્રે યાદ રહે કે આ ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની હોય વડાપ્રધાનના કાર્યાલયમાંથી સીધુ મોનીટરીંગ  થઇ રહયું છે. વડાપ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા માટે અભુતપુર્વ સુરક્ષા ચક્ર રચવાની તૈયારીઓનો અંતિમ ઓપ અપાઇ રહયો છે.

આગામી બંદોબસ્ત તેમજ તહેવારોમાં  કોઇ વિક્ષેપ ન પડે અને ઘટ ન આવે તે રીતે રજાઓ મંજુર કરવા રાજયભરના ઉચ્ચ અધિકારીઓ અને એસઆરપી સેનાપતિઓને આદેશ કરવામાં આવ્યો છે. જો કે વડોદરા  ભરૂચ અને છોટા ઉદેપુરના કર્મચારીઓ કે જે ફરજ પર છે અને તા.ર૬ થી ૩૧ ઓકટોબરના પ્રોબેશ્નલ આઇએએસ અધિકારીઓના સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજાનાર કમ્બાઇન્ડ ફાઉન્ડેશન કોર્ષ તેમજ રાષ્ટ્રીય એકતા કાર્યક્રમની ડયુટીમાં છે તેઓને  રજા નહિ મળે તેવું અર્થઘટન કાઢવામાં આવી રહયું છે.

(11:57 am IST)