Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

તમામ રાજયોની પોલીસ અને પેરા મિલિટ્રી ૨ કિ.મી.ની એકતા પરેડનું ભવ્ય આયોજન

વડોદરા, તા.૨૩ : આગામી તા.૩૧મી ઓકટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાની એકતા દિવસની ઉજવણી થવા જવા રહી છે. આ દિવસે દેશના તમામ રાજયોની પોલીસ તથા પેરામીલેટરી ફોર્સ દ્વારા કેવડિયા ખાતે બે કિ.મી. લાંબા રુટ પર એકતા પરેડનું આયોજન કરાયું છે.

તા.૨૬મી જાન્યુઆરીએ ગણતંત્રની દિવસની ઉજવણીના ભાગરુપે દિલ્હી ખાતે યોજાતી પરેડ પછીની દેશની સૌથી મોટી બીજી પરેડ હશે. જેમાં લશ્કર અને પોલીસ પાસે જે આધુનીક શસ્ત્રો છે તેનું નિદર્શન કરવામાં આવશે. તા. ૨૫મી ઓકટોબરે દેશભરમાંથી લગભગ ૨૨૦૦થી વધુ સંખ્યામાં સુરક્ષા અધિકારીઓ કર્મચારીઓ કેવડિયા પહોંચી જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સહીતની એકતા દિવસની તમામ વી.આઈ.પી. મુવમેન્ટ વડોદરાથી થવાની હોવાથી વડોદરા પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

તા.૩૧મી ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે એકતા દિવસના શિર્ષક હેઠળ કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અવસરનો ભાગ બનવાના છે. એકતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છુ. દેશના તમામ રાજયોની પોલીસ આ રેલીમાં ભાગ લેશે. કેવડિયામાં બે કિલોમીટર લાંબા રુટ ઉપર શિસ્તબધ્ધ પરેડ યોજાશે. આ પરેડ માટે તા.૨૫મીથી સમગ્ર દેશમાંથી સુરક્ષા જવાનો અધિકારીઓનું આગમન શરુ થઈ જશે. ગુજરાત પોલીસ દ્વારા હાલમાં ગાંધીનગર ખાતે પ્રેકટીસ ચાલી રહી છે. એન.એસ.જી. કમાન્ડો દ્વારા હેલીકોપ્ટરમાંથી પણ સુરક્ષા અંગેના કરતબો દર્શાવાશે.

(11:27 am IST)