Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કમોસમી વરસાદના લીધે દ.ગુજ.માં રૂ. ૩૫૦ કરોડથી વધુના ડાંગરના પાકને નુકશાનની ભીતી

બે લાખ હેકટર જમીનમાં રેકોર્ડ બ્રેક ૩૦ લાખ ગુણી ડાંગરનું ઉત્પાદન થયું પણ હવે વરસાદ પડે તો પાકને વ્યાપક નુકશાન

સુરત, તા.૨૩: હાલમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગરનું  વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા સર્જાઈ છે. જે રીતે તૂટક તૂટક વરસાદ પડી રહ્યો છે તેને લઇને તૈયાર થયેલા ડાંગરના રૂ. ૩૫૦ કરોડના પાકપર જોખમ તોળાઈ રહ્યું છે . જો વરસાદ હવે નહિ પડે તો ડાંગરના ખેડૂતોની દિવાળી તેમની માટે ખુશીઓનો પ્રકાશ લઇને આવશે. પરંતુ હાલમાંતો ડાંગરના ખેડુતો ચિંતામાં મકાયા છે.

દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ જણાવે છે કે 'દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક એટલે ડાંગર (ચોખા) મોટા ભાગના ખેડૂતો આ ડાંગરના પાક પર પોતાનું જીવન નિરવાહ કરતા હોય છે. દર ચાર મહિને લેવામાં આવતાં ડાંગરના પાકનું આ વખતે સારા પડેલા વરસાદને કારણે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. બસ હવે ગણતરીના દિવસોમાં તેની કાપણી પણ થવાની શરૂઆત કરી દેવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૨ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ૩૦ લાખ ગુણી ડાંગર તૈયાર થાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે, જેની કિંમત ૩૫૦ કરોડની આસપાસ થાય છે. પરંતુ જો હવે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારાના ગામોમા વરસાદ આવશે તો આ પાકને મોટી માત્રામાં નુકશાન થવાની શકયતા દેખાઇ રહી છે,

ખેડૂત સમાજ તો ચિંતા વ્યકત કરી રહ્યું છે પરંતુ ડાંગરનો પાક રોપતા ખેડૂતો પણ આ વખતે સારા વરસાદને કારણે ખુશ હતા તેમજ ડાંગરનું ઉત્પાદન પણ રેકોર્ડ બ્રેક થતા ખેડુતોની દિવાળી સુધરી ગઇ હતી. પરંતુ ફરી સર્જાયેલી વરસાદની સિસ્ટમને કારણે ખેડૂતો ખુબજ મુસીબતમાં મૂકાઈ ગયા છે. ખેડૂતો કહી રહ્યા છે કે જો હવે ઉભા પાકમાં વરસાદ આવશે તો પાકનું મૂલ્ય શૂન્ય થઇ જશે અને જે ખેડૂતોએ દેવું કરીને રોપણી કરી છે તેમની પરિસ્થિતી વધારે કપરી થાય તેવા સંજોગો ઉભા થયા છે

(10:10 am IST)