Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમદાવાદ મ્યુનિ. સ્કુલની વિદ્યાર્થીનીઓને હવે સેનેટરી પેડ વિતરણ કરાશે

આજે વિશ્વ પોલિયો દિવસે વિવિધ કાર્યક્રમોઃ વિશ્વ પોલિયો દિવસ ઉજવણીના ભાગરૂપે વસ્ત્રાપુર ગાર્ડન, આલ્ફાવન મોલ ખાતે રોટરી કલબ દ્વારા જાગૃતિ કાર્યક્રમો

અમદાવાદ,તા.૨૩: અમદાવાદ શહેરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ-૭ અને ૮માં ભણતી વિદ્યાર્થીનીઓને ૧૭ હજાર જેટલા સેનેટરી પેડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. શહેરની રોટરી કલબ દ્વારા આ અનોખી અને માનવતાભરી ઝુંબેશ હાથ ધરાઇ છે. બીજીબાજુ, આવતીકાલે વિશ્વ પોલિયો દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી કલબ, અમદાવાદ વેસ્ટ તરફથી શહેરના વસ્ત્રાપુર ગાર્ડન, આલ્ફાવન મોલ ખાતે જાગૃતિ કાર્યક્રમો અને નૃત્ય નાટિકા સહિતના વિવિધ કાર્યક્રમો યોજી પોલિયો સંબંધી જાગૃતિ ફેલાવાશે એમ અત્રે રોટરી કલબ, અમદાવાદ વેસ્ટના પૂર્વ પ્રમુખ પવન ચેપલોટ, રોટરીયન ડો.અવિનાશ ટાંક અને જયવંત કામદારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં તા.૨૪મી ઓકટોબરના દિનને પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોલિયો એ ચેપી રોગ છે અને તે માનવને અપંગ બનાવતું હોવાથી જીવન માટે જોખમી છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ દરમ્યાન સમગ્ર વિશ્વમાં ૨૦ લાખ લોકોનું પોલિયોના કારણે મૃત્યુ અથવા તો, અપંગ થયા હતા. સદ્નસીબે છેલ્લા બે દાયકામાં યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયાના ઘણા દેશો પોલિયોમુકત જાહેર કરાયા છે, જેમાં ૨૦૧૪માં ભારત પણ પોલિયોમુકત દેશ જાહેર થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગ્લોબલ પોલિયો ઇરેડિકશન ઇનીશીએટીવના પ્રયત્નોના કારણે પોલિયો સંક્રમણના કિસ્સાઓ વર્ષ ૧૯૮૮માં જે સાડા ત્રણ લાખ હતા, તે ઘટીને ૨૦૧૭માં માત્ર ૨૨ થઇ ગયા હતા. પોલિયોની રસી આજે વિશ્વભરમાં પ્રાપ્ય બની છે અને ડબલ્યુએચઓ અને જીપીઇઆઇના સઘન પ્રયાસોના કારણે દુનિયામાંથી હવે પોલિયો લુપ્ત થવાના આરે છે. હાલ માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મળી પોલિયોના માત્ર ૧૩ કેસો જ નોંધાયેલા છે. રોટરી કલબ, અમદાવાદ વેસ્ટના પૂર્વ પ્રમુખ પવન ચેપલોટ, રોટરીયન ડો.અવિનાશ ટાંક અને જયવંત કામદારે વધુમાં ઉમેર્યું હતું કે, પોલિયો નાબૂદીની આ ઝુંબેશમાં રોટરી કલબ પણ જોડાઇ છે અને અત્યારસુધી બહુમૂલ્ય યોગદાન આપ્યુ છે. વિશ્વભરમાં દરેક બાળકને સફળતાપૂર્વક પોલિયોની રસી પીવડાવવા માટે અબજો ડોલરની જરૂર પડે અને તે હેતુથી રોટરી ઇન્ટરનેશનલ અને જાણીતા કોમ્પ્યુટરકીંગ બીલ ગેટ્સ અને તેમના પત્ની મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને પોલિયો નાબૂદી માટે રૂ.૪૫૦ ડોલર એકએત્ર કરવાની અનોખી ઝુંબેશ ઉપાડી છે. ભારતમાંથી પોલિયો નાબૂદ થયા છતાં હજુ ફરી તેની દેખા ના દે તે હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આવતીકાલે રોટરી કલબ, અમદાવાદ વેસ્ટ દ્વારા શહેરના વસ્ત્રાપુર ગાર્ડન, આલ્ફાવન મોલ ખાતે નૃત્યનાટિકો, પેમ્ફલેટ વિતરણ, વન ટુ વન જાગૃતિપ્રચાર સહિતના કાર્યક્રમો યોજાશે. આ સાથે રોટરી કલબ દ્વારા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ-૭ અને ૮માં ભણતી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ પૂરી પાડવાની અનોખી ઝુંબેશ ઉપાડી છે., જેમાં અત્યારસુધી ૧૬૦ મ્યુનિસિપલ શાળાઓને આવરી લેવાઇ છે. આ સિવાય રોટરી કલબ એડલ્ટ લિટરસી, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, શૌચાલય બનાવવા, કેન્સરના દર્દીઓની સારવાર અને સહાય સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે.

(10:12 pm IST)
  • બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે દસેક પૈસાનો થશે ઘટાડો :ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ભાવમાં ઘટાડાનો દોર :ડીઝલના ભાવ રહેશે યથાવત :મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો લિટરે ઘટાડો થયો હતો :છેલ્લા આઠેક દિવસથી ઇંધણના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાં ઘટી રહ્યાં છે ઇંધણના ભાવ access_time 11:03 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • કચ્છ:કોટેશ્વર ક્રિક એરીયામાં BSFનું કોમ્બીંગ:કચ્છ ક્રિક સરહદ વિસ્તારમાંથી 4 થી 5 પાકિસ્તાની ઘુષણખોર ઝડપાયાની શક્યતા:કોમ્બીંગ સાથે બોટ અને વધુ ઘુસણખોરો અંગે BSFનુ સર્ચ access_time 7:15 pm IST