Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમદાવાદમાં રોગચાળાના ૧૮૦૦થી વધુ કેસ નોંધાયા

મચ્છરોની બ્રિડિંગ મળશે તો ૨૦૦ સુધીનો દંડ : વકરતા રોગચાળાને લઇ હવે તંત્ર લોકોના ઘેર-ઘેર ચેકીંગ કરાશે : સરકારી દવાખાનામાં ડોકટરોની રજા રદ કરાઇ

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદમાં શરદી, તાવ-ખાંસી, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ચિકનગુનિયાના દર્દીઓથી સિવિલ અને ખાનગી હોસ્પિટલોની ઓપીડી ઊભરાઈ રહી છે. શરદી અને વાઈરલ ઇન્ફેક્શન અને ખાંસી, શ્વાસની તકલીફ જેવા રોગોથી પીડાતા દર્દીઓની ખાનગી દવાખાનાંમાં સારવાર માટે લાઈનો લાગે છે. શહેરમાં બેકટેરીયલ-વાઇરલ ઇન્ફેકશનના કેસો વધતાં તંત્ર હવે દોડતું થયું છે. શહેરમાં ૨૨ દિવસમાં મેલેરિયાના ૧૮૦૦થી વધુ કેસો નોંધાયા છે. બીજીબાજુ, વકરતા જતાં રોગચાળાને લઇ હવે અમ્યુકો તંત્રએ લોકોના ઘેર-ઘેર જઇ ચેકીંગ કરવાનું નક્કી કર્યું છે, તો સાથે સાથે સરકારી દવાખાનાઓમાં ડોકટરોની રજા પણ રદ કરી દેવાઇ છે. શહેરમાં સિવિલ, વીએસ સહિતની સરકારી હોસ્પિટલોમાં રોગચાળામાં સપડાયેલા દર્દીઓની સારવારના દ્રશ્યો જાણે આમ બન્યા છે. તો, દર્દીઓને ડોક્ટર દ્વારા લોહીની તપાસ કે અન્ય કે અન્ય શારીરિક તપાસ માટે પેથોલોજી લેબોરેટરીઓમાં પણ વેઇટિંગ વધ્યું છે. ચાલુ માસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે પ૩૬ કેસ મેલેરિયા, ઝેરી મેલેરિયા, ચીકન ગુનિયા, ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડના કેસ નોંધાયા છે. વધતા જતા રોગચાળાને ડામવા કોર્પોરેશન હવે લોકોના ઘરમાં ચેકિંગ કરશે. જે ઘરમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવશે તેની પાસેથી પ૦ રૂપિયાથી લઇને ર૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. અમદાવાદમાં રર દિવસમાં જ રોગચાળાના ૧૮૦૦થી વધુ કેસ નોંધાયા છે, જેમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા અને વાઇરલ તાવના દર્દીઓમાં પણ વધારો નોંધાતાં આરોગ્ય વિભાગમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે, જેના કારણે સરકારી દવાખાનાંઓના ડોક્ટરોની રજા પણ રદ કરવામાં આવી છે. વીએસ હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી લોહી, યુરિન અને અન્ય પેથોલોજી તપાસના કેસની સંખ્યામાં ર૦થી રપ ટકાનો વધારો થયો છે. ગત મહિને મેલેરિયાના કેસ વધ્યા હતા. આ મહિને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે, જોકે ૧૧૦ એ ૩૦ દર્દીને વાઈરલ ઇન્ફેક્શન,તાવની ફરિયાદ રહે છે. ઇમરજન્સી ૧૦૮નાં સૂત્રોએ જણાવ્યું હતું કે તાવના દર્દીઓના ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, વીએસ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોકટર જયપ્રકાશ વ્યાસે જણાવ્યું હતું કે બાળકોમાં અત્યારે સૌથી વધુ કેસો વાઇરલ ઇન્ફેક્શન, તાવ, ગળામાં સોજા અને શ્વાસની તકલીફના આવી રહ્યા છે. રોગચાળાની વકરતી સ્થિતિને લઇ અમ્યુકો તંત્ર પણ દોડતું થયું છે અને આરોગ્ય વિભાગ સહિત સરકારી દવાખાનામાં તબીબો સહિતના સ્ટાફને જરૂરી સૂચનાઓ અપાઇ છે.

(8:28 pm IST)