Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

૨૬ વર્ષ પહેલા લગ્ન કરનાર કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી અને પત્ની મોનિકા મોદી છૂટાછેડા લેશેઃ રાજીવ મોદી ૨૦૦ કરોડ ચૂકવશે

અમદાવાદ: થોડા સમય પહેલા પરસ્પરના ઝઘડાને કારણે ચર્ચામાં આવેલા કેડિલાના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદીએ છૂાટછેડા માટે અરજી કરી છે. બંને સોમવારે મામલે કોર્ટમાં હાજર રહ્યાં હતાં, અને કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ રાજીખુશીથી છૂટા પડી રહ્યાં છે, અને કોર્ટ તેમની અરજીને ગ્રાહ્ય રાખે. અમદાવાદ મિરરના 6 ઓક્ટોબરના અહેવાલ અનુસાર, ડિવોર્સ માટે રાજીવ મોદી મોનિકા મોદીને 200 કરોડ ચૂકવશે તેવું સૂત્રોનું કહેવું છે.

26 વર્ષ પહેલા થયા હતા લગ્ન

રાજીવ અને મોનિકાના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા, તેમને એક દીકરો પણ છે જે હાલ સ્કૂલમાં ભણે છે. દીકરાની કસ્ટડી રાજીવ મોદી પાસે રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. રાજીવ અને મોનિકાના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ હોવાથી તેમને ડિવોર્સના અન્ય કેસની જેમ મહિના સુધી રાહ નહીં જોવી પડે.

ફેરવિચાર કરવાની ના પાડી દીધી

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની ફેમિલી કોર્ટમાં આવેલા રાજીવ અને મોનિકા મોદીને જજે એમ પણ પૂછ્યું હતું કે છૂટાછેડાની અરજી પર તેઓ ફેરવિચારણા કરવા ઈચ્છે છે કે કેમ? જોકે, તેના જવાબમાં બંનેએ તેનો સ્પષ્ટ ઈનકાર કરી કોર્ટને છૂટાછેડા આપવા માટે કહ્યું હતું. પતિ-પત્નીએ કોર્ટને એવું પણ જણાવ્યું હતું કે, 2012થી તેઓ પોતાના લગ્નજીવનનાં હક્ક નથી ભોગવી રહ્યાં.

200 કરોડનું કાયમી ભરણપોષણ?

છૂટાછેડા માટે બંને વચ્ચે 200 કરોડ રુપિયા જેટલી રકમ કાયમી ભરણપોષણ માટે નક્કી થઈ હોવાની પણ અટકળો છે. બદલામાં મોનિકા કેડિલા ફાર્મામાં તેમજ રાજીવ મોદીની પ્રોપર્ટીઝ પર પોતાનો કોઈ હક્ક નથી તેવા લખાણ પર સહી કરી આપશે.

મુંબઈમાં રહેશે મોનિકા

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, રાજીવ મોદીએ આંબાવાડીની એક બેંકમાં 200 કરોડ રુપિયા ભરી દીધા છે, અને મોનિકાએ પણ કરાર પર સહી કરી દીધી છે. કોર્ટ તેમને ઓફિશિયલી છૂટાછેડા આપી દે ત્યાર પછી તેની આપ-લે કરી લેવાશે. મોનિકા મુંબઈના રહેવાસી છે, અને ડિવોર્સ બાદ તેઓ મુંબઈમાં સ્થાઈ થશે તેવું મનાઈ રહ્યું છે.

(5:55 pm IST)