Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સૈયદપુરામાં યુવતીને ભગાડી જવાના મામલે હિંસક અથડામણમાં એકનું મોત

સૈયદપુરા:માં ગઈકાલે રાત્રીના સુમારે યુવતીને ભગાડી જવાના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં સંડોવાયેલા ૧૦ની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. બીજી તરફ અથડામણને પગલે એક યુવાનનું એટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પંચાયત પાસે પટેલો અને દરબારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધારીયા, લાકડીઓ તેમજ સામસામા કરાયેલા પથ્થરમારામાં ૧૦થી વધુને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તોફાનના પગલે-પગલે વિજયભાઈ ભીખુભાઈ પટેલને ખેંચ આવીને એકદમ ગભરામણ થઈ જતાં તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનુ અવસાન થયું હતુ આ બનાવને લઈને ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આજે સવારે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના મૃતદેહનુ પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતુ જેમાં મોતનું સાચુ કારણ જાણવા મળ્યુ નહોતુ. જેને લઈને વીસેરા લઈ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ઘરાઈ છે.
પ્રાથમિક તપાસમાં એટેક આવવાને કારણે તેમનું મોત થયું છે, તેમના શરીરે બાહ્ય ઈજાના કોઈ ચીહ્નો મળી આવ્યા નથી. આજે સવારે પીએમ બાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યાં બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા યોજાઈ હતી. જૂથ અથડામણને પગલે-પગલે સૈયદપુરા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ઘટનાના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે આખા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન ગઈકાલે રાત્રે જ ભાલેજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી કુલ દશ શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:56 pm IST)