Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મહેમદાવાદના વરસોલામાં ખોટી રીતે રેશનિંગ કાર્ડ કઢાવી તંત્રને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી

મહેમદાવાદ:તાલુકાના વરસોલાના ઈસમે બીપીએલ કાર્ડ મેળવવા પોતાની જાતે રેશનકાર્ડમાં દીકરાના નામ ઉપર લીટી મારી કમી કરી ચેડા કર્યા હતા. આમ સરકારી લાભ મેળવવા ચેડા કરેલ રેશનકાર્ડની નકલ રજૂ કરી છેતરપિંડી કરનાર ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના વરસોલામાં પરસોત્તમ અંબાલાલ પંડ્યા રહે છે. તેમના ભાઈ પુનમભાઈ અંબાલાલ પંડ્યાના નડિયાદ ખાતેના રેશનકાર્ડમાં પરસોત્તમ અંબાલાલ પંડ્યાનું તેમજ તેમના ભત્રીજા જયદીપ પુનમભાઈ પંડ્યાનું નામનો ઉલ્લેખ હતો. આમ છતાં પુનમભાઈ અંબાલાલ પંડ્યાએ પોતાનું બીપીએલ રેશનકાર્ડ મેળવવા કલેક્ટર કચેરીમાં ચેડો કરેલ રેશનકાર્ડની નકલ રજૂ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું.
જેમાં જયદીપ પુનમભાઈ પંડ્યા પુનમભાઈ પંડ્યાનો દીકરો થતો હોઈ તેમજ તે હયાત હોવા છતાં પરસોત્તમ અંબાલાલ પંડ્યાનું રેશનકાર્ડમાં પુત્ર તરીકે નામ દાખલ કરાવવામાં આવ્યું હતું. આ માટે રેશનકાર્ડમાં જાતે ચેડાં કરી જયદીપના નામ ઉપર લીટી મારી નડિયાદના રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા મામલતદાર કચેરીમાં કરેલ અરજીમાં ચેડાં કરેલ રેશનકાર્ડની નકલ રજૂ કરી હતી. આમ બીપીએલના મળવાપાત્ર લાભો મેળવવા પુનમભાઈ પંડ્યાએ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા આ ગુનાહિત કાવતરું રચી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જાણીબુઝીને ઠગાઈ - છેતરપિંડી કરી હતી. આ હકીકત બહાર આવતા પુરવઠા તંત્ર ચોકી ઊઠ્યું હતું. આ બનાવ અંગે એન.એચ. પ્રજાપતિ નાયબ મામલતદાર શહેરની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે પુનમભાઈ અંબાલાલ પંડ્યા, જયદીપ પુનમભાઈ તેમજ પરસોત્તમ અંબાલાલ પંડ્યા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:53 pm IST)