Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓમાંથી ૫૦,૦૦૦ જેટલા મજૂરોએ ગામ છોડયું

સૌરાષ્ટ્રના ગામડાઓમાં મોટાભાગે દાહોદ, પંચમહાલ અને નર્મદાની આસપાસના ગામડાઓમાંથી કામ અર્થે આવે છે

રાજકોટ તા. ૨૩ : અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં પાક નિષ્ફળ જવાથી મોટી સંખ્યામાં ખેતમજૂરોએ ગામ છોડી વતન તરફની વાટ પકડી છે અથવા નજીકના મોટા શહેરોમાં ચાલતા થયા છે. ખેડૂત સંગઠનમાંથી મળતી માહિતીને આધારે છેલ્લા બે અઠવાડિઆમાં આશરે ૫૦,૦૦૦ જેટલા ખેત મજૂરોએ ગામ છોડી દીધું છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં મોટાભાગે દાહોદ, પંચમહાલ અને નર્મદાની આસપાસના ગામડાંઓમાંથી કામ અર્થે આવે છે.

જયારે બીજા રાજયોની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી મજૂરો કામ કરવા માટે આવે છે. ઘણા બધા જમીન માલિકો આ મજૂરોને પોતાના ખેતર ભાગીદારીમાં ખેડવા માટે આપે છે. તો કેટલાક મજૂરોને રોકીને ખેતરોના પાકનું કામ કરાવે છે. જેમાં સમગ્ર સિઝન માટે આ મજૂરોને રોકવામાં આવે છે. પરંતુ, આ વખત ઓછા વરસાદને લીધે પાક નિષ્ફળ થયો છે. જેની સીધી અસર આ મજૂરો પર થઈ છે. આ મજૂરો પોતાના પરિવાર સાથે ખેતરની આસપાસ રહે છે.

વરસાદને અભાવે સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા બે પાક મગફળી અને કપાસના પાકને માઠી અસર થઈ છે. ઉત્પાદનમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ખેડૂતોએ પાક નિષ્ફળ જતા સુકાયેલા પાકને કાપવાનું પણ શરૂ કરી દીધું છે. અમેરલીના આંબરડી જિલ્લાના એક ખેડૂત કમલેશ નસીતે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં ૧,૦૦૦ બાહરથી આવેલા ખેત મજૂરો કામ કરતા હતા. પાક નિષ્ફળ જવાને કારણે તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે. હવે વરસાદના બીજા કે ત્રીજા રાઉન્ડની જરૂર નથી અને અહીં સિંચાઈ માટેની કોઈ સગવડ પણ નથી.

અમરેલી જિલ્લાના ઘણા પરિવારો સુરત સ્થાયી થઈ ગયા છે અને હીરા ઉદ્યોગ સાથે જોડાઈ ગયા છે. નફા વહેચણીના કરાર સાથે જયારે તેઓ પરત આવે ત્યારે આવા ખેત મજૂરોને જમીન ખેડવા માટે આપી જાય છે. સૌરાષ્ટ્રમાંથી આટલી મોટી સંખ્યામાં મજૂરોનું પરત ફરવું એ ગંભીર બાબત છે. છેલ્લા થોડા સમયથી સારો એવો વરસાદ વરસેલો છે.

ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે. કે. પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગરને બાદ કરતા બાકીના સાત જિલ્લાઓમાંથી ખેત મજૂરો પોતાના ઘરે જઈ રહ્યા છે. કારણ હવે પાક બચે એવી કોઈ શકયતા નથી. મગફળી અને કપાસના ખેતરોના આશરે ૫૦,૦૦૦ મજૂરો પરત ફર્યા છે. સુરેન્દ્રનગરના ૬૦% વિસ્તારોને નર્મદા પાણીની કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહે છે, તેથી ત્યાંથી જૂજ મજૂરો પરત થયા છે. પણ અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાંથી મોટા ભાગના મજૂરો પરત ફર્યા છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ને ખરીફ પાકની સિઝન ૨૦૧૮-૧૯માં મગફળીના ઉત્પાદનમાં ૫૦%નો ઘટાડો નોંધ્યો છે. કપાસમાં પણ ગત વર્ષે ૧૧૯ લાખ ગાંસડીના ઉત્પાદન સામે આ વખતે માત્ર ૮૦ લાખ ગાંસડીનું ઉત્પાદન છે. અમરેલીના વધુ એક ખેડૂત જનક પરસારાએ કહ્યું કે, આ વખતે મે ૨૭ વિઘા જમીનમાંથી માત્ર ૧૦ વિઘા જમીનમાં વાવેતર કર્યું છે. પણ આ વખત સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત જે ૧૫ ખેત મજૂરોને રોકયા હતા તે પણ છૂટા થઈ ગયા છે. આ લોકો મારી પાસેથી એડવાન્સ પૈસા લઈને જતા રહ્યા છે.

પરંતુ, પાક નિષ્ફળ ગયો છે એટલે એ પરત આવે એવું લાગતું નથી. અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, સરકારે બેરોજગાર બનતા ખેજમજૂરોની સ્થિતિને ધ્યાન લીધી છે. તાજેતરમાં સરકાર સાથે થયેલી વીડિયો કન્ફરન્સમાં આ વિષય પર ચર્ચા થઈ હતી અને આ તમામ માનવશ્રમને પંચમહાલ પાસેના એનઆરઈજીએમાં કામ અપાવવા માટે ચર્ચા થઈ હતી. ઉદ્યોગોની માગને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના ખેત મજૂરોને પણ વહેલી તકે નોકરી આપવામાં આવશે એવુ રાજય સરકારે સ્પષ્ટ કર્યું હતું.

પાક નિષ્ફળ જવા પાછળ સંપૂર્ણ પણ વરસાદને જવાબદાર ન ઠેરવી શકાય કારણ કે સૌરાષ્ટ્રના જ કેટલાક જિલ્લાઓમાં આ વખતે ૧૦૦% સારો વરસાદ થયો છે તેમ છતાં પાક નિષ્ફળ થયો છે. આ ઉપરાંત, ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. ચોમાસાનો બીજો તબક્કો અહીં શરૂ થયો જ નથી. ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે હજુ કેટલાક ચોક્કસ આંકડા ખેડૂતો પાસેથી એકઠા કરવામાં આવી રહ્યા છે. જેથી તેમને પાક વીમો આપી શકાય.

(4:15 pm IST)
  • છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો.રમણસિંહ સામે કોંગ્રેસે અટલજીના સગા ભત્રીજી કરૂણા શુકલને મેદાનમાં ઉતાર્યા access_time 3:35 pm IST

  • ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા સુપ્રિમનો ઈન્‍કારઃ રાત્રે ૮ થી ૧૦ વચ્‍ચે જ ફટાકડા ફોડી શકાશે : ભારે - મોટા અવાજવાળા ફટાકડા ઉપર પ્રતિબંધઃ કેટલીક શરતો સાથે ઓછા પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડવાની મંજૂરી : હવેથી લાયસન્‍સધારકો જ ફટાકડા વેચી શકશે : રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે : ઓનલાઈન ‘નેટ' ઉપર ફટાકડા વેચી નહિં શકે : સુપ્રિમ કોર્ટે ફટાકડા વેચાણ ઉપર ઐતિહાસિક ચુકાદો આપ્‍યો : સુપ્રિમે કહ્યું કે, ફટાકડાનું વેચાણ રોકવા કરતા તેમના ઉત્‍પાદન સંબંધી નિયમો બનાવવાનું વધુ ઉચિત રહેશે : બીજા ધર્મના તહેવારો ઉપર પણ આ આદેશ લાગુ પડશે : ફટાકડા ફોડવા ઉપર જાગૃતતા અભિયાન ચલાવાય : સુપ્રિમ access_time 11:32 am IST

  • મુંબઈ:એરપોર્ટ પર ૬ કલાક વિમાન સેવા બંધ રહેશે :મુંબઈ એરપોર્ટના રન-વેના સમારકામને લઇ સવારે ૧૧ કલાક થી ૫ કલાક વિમાનસેવા બંધ: ૩૦૦થી વધુ વિમાનસેવાઓને અસર પડશે access_time 2:23 pm IST