Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વડોદરાના પ્રાણી સંગ્રહાલયના સિંહ સમ્રાટનું મોત

તબિયત લથડતા સારવાર અર્થે આણંદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું: સમ્રાટ સિંહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ અંતિમ વિધિ કરાઈ

વડોદરામાં આવેલું પ્રાણી સંગ્રહાલય કે જે સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને સિંહણ રહે છે. જેનું નામ સમ્રાટ અને સમૃદ્વિ હતું. આ સિંહ-સિંહણના જોડામાંથી આજરોજ સમ્રાટ નામના સિંહનું દુ:ખદ અવસાન થવા પામ્યું છે. જેને લઈને સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર,3 દિવસથી સિંહ સમ્રાટની તબિયત લથડતા તેને સારવાર અર્થે આણંદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ખૂબ જ મહેનત બાદ વડોદરાના પ્રાણી સંગ્રહાલયને આ સિંહ અને સિંહણનું જોડું મળ્યું હતું. જ્યારે સમ્રાટ સિંહ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો ત્યારે જેટલો ખુશીનો માહોલ હતો. એટલો જ આજે પ્રાણી સંગ્રહાલયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સરકારની ગાઈડલાઈન અનુસાર સમ્રાટ સિંહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી છે.

આ અંગે પ્રાણી સંગ્રહાલયના ઝુ ક્યુરેટર દ્વારા જણાવવામાં આવે છે કે, સમ્રાટ સિંહને 10 ડિસેમ્બર 2021માં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા. યંગ સિંહ સિંહણ હોવાને કારણે તેમનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાણીસંગ્રહાલય દ્વારા સિંહ અને સિંહણને સમ્રાટ અને સમૃદ્વિ નામ આપવામાં આવ્યું હતું. સમ્રાટ સિંહ અહીંના કિપર સાથે પણ સારા સંબંધ બનાવી રહ્યો હતો. કિપરના કહ્યા પ્રમાણે સમ્રાટ વર્તન પણ કરતા શીખી ગયો હતો. ખાધા-ખોરાકે પણ તે એકદમ ફિટ હતો. પરંતુ તેને થ્રોનિક કિડની ડિસીઝ હોવાને કારણે તેનું આજરોજ અવસાન થઈ જવા પામ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ત્રણ-ચાર દિવસથી તેણે ખોરાક ન લેતા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સીરીમ ક્રિઈટિઝમ જેવા તમામ કારણોસર તેના અતિશય રેન્જબાર વધી ગયા હતા. જેથી અમે ડોકટરનો સંપર્ક કરી સમ્રાટની તપાસ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ ડોકટરોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ વધુ સારવાર માટે સમ્રાટને આણંદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

(8:54 pm IST)