Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નવરાત્રી પર્વને લઈને રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લા રહેશે હોટેલ રેસ્ટોરન્ટ્સ

સરકારના નિર્ણયથી હોટેલ માલિકો અને ખેલૈયાઓમાં ઉત્સાહ

અમદાવાદ :નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલી રાખવાના નિર્ણયથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના બાદ કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપારીઓના હિતમાં નિર્ણય લઈને વેપારીઓને રાહત આપી છે. રાત્રે 12 વાગ્યા બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી  ખેલૈયાઓ અને વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. નવરાત્રીને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે વેપારીઓએ રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યુ કે છેલ્લા બે વર્ષથી જે નોરતા નહોંતા ઉજવાયા તે બે વર્ષના ગેપ બાદ આ વર્ષે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ પહેલા પણ બે તહેવારોની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક રાજ્યભરમાં કરાઈ હતી. જેમા જન્માષ્ટમી અને ગણેશત્સવની ધામધૂમપૂર્વક કોઈ જ પ્રતિબંધો વિના ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારોમાં જોવા મળ્યુ કે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા છે. ફરવા પણ જઈ રહ્યા છે, ખાણી-પીણીની મજા લઈ રહ્યા છે એ જ પ્રકારે આ વર્ષે પણ રાત્રે બે વાગ્યા સુધી ખાણીપીણીની દુકાનો શરૂ રહેશે અને લોકોને પણ પૂરો સહયોગ મળશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.

અન્ય એક વેપારી જણાવે છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટ્સનો મુખ્ય બિઝનેસ તો રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે જ હોય છે. જેમા આ વખતે મોડી રાત સુધી હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ મળતા આ વેપારીઓ માટે ઘણી ફાયદાકારક રહેશે.

(8:35 pm IST)