Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોનાથી સાજા થયેલા ડેન્ગ્યુ ચીકનગુનિયાનો શિકાર બન્યા

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો : કોરોના થયો હોય તેવા ચિકનગુનિયાના દર્દીઓને સાંધાનો દુઃખાવો અને તાવ લાંબો સમય રહેતો હોવાનો અભિપ્રાયે

અમદાવાદ, તા.૨૩ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે કોરોનામાંથી સાજા થયેલા લોકો તેના સૌથી વધુ શિકાર બની રહ્યા છે. ડૉક્ટર્સનું માનીએ તો, કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી તેમાંથી સાજા થયેલા લોકો આસાનીથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગમાં સપડાઈ રહ્યા છે.

શહેરની કે.ડી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ વસીમઅહેમદ સચોરાનું માનીએ તો, તેમણે વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી છે, જેમાંથી ૧૦૦ કોરોનામાંથી સાજા થયેલા દર્દી હતાં. ન્યૂ રાણીપમાં રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા ૩૪ વર્ષીય અમિત રાવલને જુન મહિનામાં કોરોના થયો હતો.

સતત તાવ આવતો હોવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. ટ્રીટમેન્ટ દરમિયાન સ્ટિરોઈડ અને અન્ય દવાઓના હેવી ડોઝ લેવાના કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી, અને પાચનશક્તિ પણ નબળી પડી ગઈ હતી. કોરોનામાંથી સાજા થયા બાદ તેમને લાગતું હતું કે હવે તેઓ આફતમાંથી બહાર આવી ગયા છે.

જોકે, થોડા સમયમાં એક નવી સમસ્યાનો તેમને સામનો કરવાનો હતો. જુલાઈ મહિનામાં તેમને ફરી તાવ ચઢ્યો, જે દવાઓ લીધા બાદ પણ ના ઉતર્યો. તેમને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું, જેની સારવાર માટે ફરી હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવ્યો. તાવ સાથે માથાંમાં થતો અસહ્ય દુઃખાવો તેમજ ઝાડા-ઉલ્ટીને કારણે તેઓ કેટલાક દિવસ હોસ્પિટલમાં રહ્યા.

સાજા થયા બાદ તેમણે કામ પર જવાનું શરુ કર્યું, પરંતુ ઓગસ્ટમાં ફરી તેમને ચિકનગુનિયા થયો. ત્રણ મહિનામાં ત્રણ વાર બીમાર પડી ચૂકેલા અમિત રાવલ દવાઓના હેવી ડોઝને કારણે ખૂબ અશક્તિ અનુભવી રહ્યા છે. તેમને એવું લાગે છે કે જાણે તેમના હાડકાં ઘરડા થઈ ગયા છે. તેમને પથારીમાંથી ઉઠવામાં પણ શ્રમ પડે છે.

તેઓ તો ત્યાં સુધી કહે છે કે ચિકનગુનિયા તો કોરોના કરતા પણ ખતરનાક છે. તેના કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેમને કોરોના પણ થઈ ચૂક્યો હોવાથી ચિકનગુનિયાના અન્ય દર્દીઓ કરતાં તેમને સાંધાનો દુઃખાવો વધારે થઈ રહ્યો છે.

ડૉક્ટર્સનું માનીએ તો, મચ્છરજન્ય રોગ અને કોરોનાને કોઈ સીધું કનેક્શન નથી. પરંતુ જ્યારે કોરોનામાંથી સાજા થયેલા દર્દીને ડેન્ગ્યુ થાય ત્યારે તેના પ્લેટલેટ ખૂબ ઝડપથી ઘટી જાય છે. ડૉ. સચોરા જણાવે છે કે, આવા ઘણા કેસમાં તો પ્લેટલેટ ઘટીને ૧૫-૨૦ હજાર સુધી પણ પહોંચ્યાના દાખલા છે.

 શેલ્બી હોસ્પિટલના ડૉ. ફાલ્ગુની ઐયરનું કહેવું છે કે, કોરોના થયો હોય તેવા ચિકનગુનિયાના દર્દીઓને સાંધાનો દુઃખાવો અને તાવ લાંબો સમય સુધી રહે છે. આવા દર્દીને એકાદ સપ્તાહ સુધી સતત તાવ આવે છે, અને સાંધાનો દુઃખાવો દોઢ મહિના સુધી રહી શકે છે. શરીર કોરોનાની અસરથી સંપૂર્ણ મુક્ત ના થયું હોય તે પહેલા વધુ એક વાયરલ અટેકને કારણે ચિકનગુનિયા જેવો રોગ પણ દર્દીને ખૂબ પરેશાન કરી મૂકે છે.

બોપલમાં રહેતા હિરેન પટેલ સાથે પણ આવું થયું હતું. તેમને સેકન્ડ વેવ દરમિયાન એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જેમાંથી તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ બે મહિનામાં તેમને ચિકનગુનિયા થયો, જેના લીધે તેમને સતત પાંચ દિવસ સુધી તાવ આવ્યો હતો. તેની સાથે તેમને સાંધાનો અસહ્ય દુઃખાવો પણ સહન કરવો પડ્યો હતો.

(8:18 pm IST)