Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આંકલાવ તાલુકાની ગંભીરા ચોકડી નજીક ટ્રકના ચાલકને બંધક બનાવી લૂંટ ચલાવનાર ત્રણેય શખ્સોને આંકલાવ પોલીસે ઝડપી પાડયા

આંકલાવ:તાલુકાની ગંભીરા ચોકડી નજીક લગભગ એક સપ્તાહ પૂર્વે લોખંડનો ભંગાર ભરેલ ટ્રકના ચાલકને બંધક બનાવી ટ્રક સહિત સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ જનાર ત્રણેય શખ્શોને આંકલાવ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી ટ્રક જપ્ત કરી ત્રણેય શખ્શોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

ભાવનગરના નારી રોડ ઉપર આવેલ રામદેવનગર ખાતે રહેતા પરેશભાઈ બાલાભાઈ કરેણીયા લગભગ એક સપ્તાહ પૂર્વે ટ્રક લઈને ઉધના ગયા હતા અને આશરે ૨૫ ટન લોખંડનો ભંગાર ભરી સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન સુરત હાઈવે ઉપર આવતા તેઓ એક હોટલ ખાતે ચ્હા-નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. જ્યાં ૨૫ થી ૩૦ વર્ષના આશરાના અજાણ્યા ત્રણ શખ્શો મુસાફરના સ્વાંગમાં ટ્રકમાં સવાર થયા હતા. દરમ્યાન વહેલી સવારના સુમારે ટ્રક જંબુસર નજીક આવેલ મુવાલ ચોકડી ખાતે પહોંચતા ત્રણેય શખ્શોએ ચપ્પુ બતાવી ચાલક પરેશભાઈને દબોચી સાઈડ ઉપર બેસાડી દોરડાથી બાંધી બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ સવારના લગભગ ૬.૦૦ કલાકની આસપાસના સુમારે આંકલાવ તાલુકાના ગંભીરા બ્રીજ નજીક ટ્રક પહોંચતા ત્રણેય શખ્શોએ પરેશભાઈને ધક્કો મારી ટ્રકમાંથી નીચે ઉતારી દીધા હતા અને રૂા.૭ લાખનો લોખંડનો ભંગાર તેમજ રૂા.૧૨ લાખની ટ્રક મળી કુલ્લે રૂા.૧૯ લાખની મત્તાની લૂંટ ચલાવી ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે પરેશભાઈ બાલાભાઈ કરેણીયાની ફરિયાદના આધારે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી હતી.દરમ્યાન લૂંટાયેલ ટ્રક સહિતનો સામાન તારાપુર બોરસદ સ્ટેટ હાઈવે ઉપર આવેલ સ્વાગત હોટલ નજીક પડી હોવાની માહિતી આંકલાવ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને ટ્રક સાથે એક શખ્શને ઝડપી પાડયો હતો. જેના નામ-ઠામ અંગે પુછતાં તે ઝાકીર હસનભાઈ ખોખર (રહે.ભાવનગર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની કડકાઈથી પુછપરછ કરતા અન્ય બે સાગરિતો શિવાલ ઉર્ફે બુધો ધીરૂભાઈ વડગામા (રહે.બોટાદ) અને અકીલ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ પાધરસી (રહે.બોટાદ) ની સાથે મળી આ ટ્રકની લૂંટ કરી હોવાનું અને લોખંડના ભંગારનો ગ્રાહક મળે એટલે વેચવાની પેરવીમાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે બોટાદ ખાતેથી મુખ્ય સૂત્રધાર શિવાલ ઉર્ફે બુધો અને અકીલ ઉર્ફે ભુરાને પણ ઝડપી પાડયા હતા.

(6:14 pm IST)