Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમદાવાદમાં એનઓસી મુદ્દે કોર્પોરેશન તંત્ર દ્વારા એક સાથે 214 શાળાઓને કલોજર નોટીસ ફટકારવામાં આવતા ખળભળાટઃ રાજ્‍ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્‍યમંત્રીને રજૂઆત

500 મીટર કરતા ઓછુ બાંધકામ ધરાવતી શાળાઓને ફાયર પ્રમાણપત્રમાંથી મુક્‍તિ આપવા માંગણી

ગાંધીનગર: અમદાવાદ શહેરની એક સાથે 214 શાળાઓને ફાયર NOC મુદ્દે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નોટીસોના પગલે આજે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં 500 મીટર કરતા ઓછા બાંધકામ ધરાવતી શાળાઓને ફાયર પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે. ઉપરાંત સ્કૂલોને ફટકારવામાં આવેલી નોટીસ મુદ્દે મુખ્યમંત્રી પાસે રૂબરૂ ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાઈકોર્ટમાં રાજ્યના ફાયર સેફ્ટીના મુદ્દા ઉપર એક કેસ ચાલી રહ્યો છે. મોટા કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડીંગો, ઔદ્યોગીક વસાહત, હોસ્પિટલ અને 15 મીટર કે વધુ ઉંચાઈ ધરાવતા તમામ બિલ્ડીંગો માટે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ખુબ જ આવશ્યક છે. 9 મીટર ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક બિલ્ડીંગો માટે પણ આ જરૂરી છે, જે જોગવાઈ ગેઝેટમાં કરવામાં આવેલી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતની ગ્રામ્ય અને તાલુકા કક્ષાની શાળાઓ કે જ્યાં 5થી 7 ઓરડાઓના ગ્રાઉન્ડ ફ્લોર કે પછી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બિલ્ડીંગો આવેલા છે અને લગભગ મોટાભાગની શાળાઓ પાસે નાના-મોટા મેદાનો પણ છે. એટલું જ નહીં, આ બધા મકાનોની ઉંચાઈ 9 મીટરની અંદર છે. મહાનગરો અને જિલ્લા હેડ ક્વાર્ટર પર મોટી શાળાઓ આવેલી છે કે જ્યાં 9 મીટરથી ઉંચાઈવાળા બિલ્ડીંગો બનેલા છે. ગુજરાતમાં મકાનોના બાંધકામ અંગે પહેલા સક્ષમ અધિકારી પાસેથી બાંધકામ રજા ચિઠ્ઠી મેળવવાની રહેતી હતી, તે સમયે બીયુ પરમીશનની કોઈ પ્રથા ન હતી.

બીયુ પરમીશનની પ્રથા લગભગ 25થી 27 વર્ષ પહેલા શરૂ થઈ છે. એટલે કે, 1985 પહેલાના બિલ્ડીંગો અને ત્યારબાદના બિલ્ડીંગોમાં બાંધકામ રજાચિઠ્ઠી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર આ રીતે શાળાના સંચાલકો પાસે રેકોર્ડ ઉપલબ્ધ છે. જેથી સંચાલકોએ માંગણી કરી હતી કે, કોર્પોરેશન વિસ્તારની નાની- મોટી શાળામાં ફાયર સલામતીની વ્યવસ્થા કરવા માટે ઓછામાં ઓછા 6 માસનો સમય આપવાની જાહેરાત થવી જોઈએ.

જે શાળા પાસે બાંધકામ, રજાચિઠ્ઠી અથવા બાંધકામ વપરાશ પ્રમાણપત્ર હોય અને શાળા બિલ્ડીંગ 9 મીટર ઉંચાઈ કરતા નાનુ હોય તો સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે શાળા બિલ્ડીંગનું ઈન્સ્પેક્શન કરાવીને અદ્યતન સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પ્રમાણપત્ર રજૂ કરે તો તે ગ્રાહ્ય રહે તેવી જાહેરતા થવી જોઈએ. જે શાળાઓના બિલ્ડીંગનું બાંધકામ 500 મીટર કે તેના કરતા ઓછું છે તે શાળાઓમાં ફાયર સેફ્ટીના પ્રમાણપત્રનો આગ્રહ રાખ્યા વગર તેને દરેક ફ્લોર પર 2 અગ્નિશામક યંત્રો અને પાંચ-પાંચ ડોલ રેતી ભરેલી મુકવી તેવી જોગવાઈ કરીને તેને પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવી જોઈએ. મુખ્યમંત્રી સમક્ષ સંચાલક મંડળ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે સ્કૂલોને ક્લોઝરની નોટીસ આપવા અંગે ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે.

(5:06 pm IST)