Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

નરેન્‍દ્રભાઇના જન્‍મદિને ગુજરાત ભાજપ દ્વારા એક જ દિવસમાં 8500 સર્વાઇકલ કેન્‍સર ટેસ્‍ટ માટેના અભિયાન બદલ સી.આર. પાટીલને વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ તરફથી એવોર્ડ

મેડિકલ સેલ અને મહિલા મોરચાએ સાથે મળીને 170 તબીબો અને 400 સહાયકોની ટીમ સાથે અભિયાન કર્યુ હતુ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપા દ્વારા મેડિકલ સેલ અને મહિલા મોરચાએ સાથે મળીને 170 ડોક્ટરની ટીમ અને 400 જેટલા બીજા સહાયકોની ટીમ સાથે ગુજરાતમાં એક સાથે એક જ દિવસે મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર pap ના ટેસ્ટ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક જ દિવસે સૌથી વધુ ટેસ્ટ કરવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ- લંડન અને યુનાઇટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, યુ.એસ.એ.માં મળ્યું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ રેકોર્ડ ડરબન ખાતે 2000 મહિલાઓનો હતો.

આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ડૉક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્ર ગજ્જર, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ.દીપિકાબેન સરડવા સહિત ડૉક્ટરસેલ અને મહિલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભાજપ તરફથી દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજયા હતા. તે જ રીતે ગુજરાતમાં પણ અનેકવિધ કાર્યક્રમો વુક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ. એકસાથે અનેક બાળકોના ઓપરેશન વગેરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

(5:04 pm IST)