Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી 209.75 ફૂટે પહોંચીઃ વિશ્વામીત્રી નદીની સપાટી વધતા તંત્ર એલર્ટ

જો કે વડોદરાવાસીઓ માટે કોઇ ચિંતાની વાત ન હોવાનું જણાવતા મેયર કેયુર રોકડીયા

વડોદરા: ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી 209.75 ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ વિશ્વમિત્રી નદીની સપાટી પણ વધતા તંત્ર એલર્ટ બન્યું છે.

વડોદરાના ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધી 16.75 ફૂટ પર પહોંચી ગઈ હતી. જે હાલ ઘટીને 13 ફૂટ પર આવી ગઈ છે. 2021 ના ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. પંચમહાલ, પાવાગઢ અને વાઘોડિયામાં ભારે વરસાદ વરસ્યો, જેના લીધે આજવા સરોવરની સપાટી પણ વધી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. મહત્વની વાત છે કે ઉપરવાસમાં સતત વરસાદ જો આજ રીતે વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી વટાવી શકે છે.

હાલમાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 13 ફૂટ પર પહોંચી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાશકારો થયો છે. આ વિશે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ કહ્યું છે કે, હાલમાં વડોદરાવાસીઓ માટે ચિંતાની કોઈ વાત નથી. તેમ છતાં તંત્ર બધી રીતે તૈયાર છે. તો બીજી તરફ 15 દિવસ પહેલા આજવા સરોવર 206 ફૂટે પહોંચ્યુ હતું. શહેરની રોજની પીવાના પાણીની જરૂરિયાત 520 એમ.એલ.ડી છે, જેને માટે 2012 ફૂટ પાણી આજવા સરોવરમાં હોવું જરૂરી છે.

થોડા દિવસો પહેલા વડોદરામાં ઓછા વરસાદને કારણે પાણી સંકટ મંડરાઈ રહ્યુ હતું, ત્યારે મેયરે પૂર્વ નર્મદા મંત્રીને નર્મદા નિગમથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાની સબ કેનાલ દ્વારા આજવા સરોવર ડેમમાં પાણી આપવાની મંજૂરી પણ આપી છે. જોકે આ પાણી વિના મૂલ્યે નહિ મળે તેવુ લેખિતમાં કહેવાયુ હતું. હાલ જોકે સારો વરસાદ વરસતાં વડોદરાવાસીઓને નર્મદાના નદીના પાણીની જરૂર નહિ પડે એમ લાગી રહ્યું છે. તો પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત કહે છે કે, 2014 કે 2019 માં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર પાણી આવતા જ હજ્જારો શહેરીજનોના ઘરમાં પાણી પ્રવેશ્યા હતા. હાલ પણ પાણી વધતા વડસર સહિતના વિસ્તારમાં પાણી પ્રવેશી શકે છે, કોર્પોરેશન તંત્રએ અત્યારથી જ એલર્ટ થઈ વ્યવસ્થાઓ કરવાની જરૂર છે.

(4:19 pm IST)