Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સોનુ સૂદે અમદાવાદમાં આપના નેતા સાથે બંધ બારણે બેઠક કરતા અનેક અટકળો

ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે જ અભિનેતાની આપના નેતાઓ સાથેની મુલાકાત ઘણી જ સૂચક છે

અમદાવાદ તા. ૨૩ : કોરોનાકાળમાં અભિનેતા સોનુ સૂદ સાચો કોરોના વોરિયર્સ સાબિત થયો છે. તાજેતરમાં જ તેની ઓફિસો પર ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના દરોડા પડ્યા હતા. સોનુ સૂદની ઓફિસ પર દરોડાની કાર્યવાહીને અભિનેતાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે અભિનેતાએ બુધવારે અમદાવાદ ખાતે એક ખાનગી હોટલમાં આખો દિવસ ઉદ્યોગપતિઓ, જુદા જુદા અગ્રણીઓ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આખો દિવસ બેઠક બાદ અભિનેતા સાંજે જ રવાના થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. આ દરમિયાન અભિનેતાએ આપના ત્રણ મોટા પ્રદેશ નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલી એક હોટલ ખાતે સોનુ સૂદે બુધવારે આખો દિવસ જુદા જુદા લોકો સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના ત્રણ નેતા પણ સામેલ છે. સોનુ સૂદે આપના ઇસૂદાન ગઢવી, મહેશ સવાણી અને ગોપાલ ઇટાલિયા સાથે બેઠક કરી હતી. સૂત્રોનું કહેવું છે કે આપના નેતાઓ સાથે સોનુ સૂદે આશરે દોઢથી બે કલાક સુધી બેઠક કરી હતી. જે બાદમાં જુદા જુદા લોકો સાથે અભિનેતાએ બેઠક કરી હતી. આ લોકોમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ હતા.

ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે જ અભિનેતાની આપના નેતાઓ સાથેની મુલાકાત ઘણી જ સૂચક છે. આ મુલાકાતના કેવા પરિણામ આવે છે એ તો આગામી સમય જ બતાવશે. આવતા વર્ષે આવી રહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અભિનેતા સત્ત્।ાવાર રીતે આપ માટે પ્રચાર કરે છે કે નહીં તે જોવું રહ્યું. સોનુ સૂદ આપના નેતાઓ સાથે બેઠક કરવા માટે જ અમદાવાદ આવ્યો હતો કે કોઈ અન્ય કામથી આવ્યો હતો તે જાણી શકાયું નથી. પરંતુ હાલ અભિનેતાની આ મુલાકાતથી ચર્ચા જરૂરી જાગી છે.

(11:38 am IST)