Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમદાવાદનું વાસણ બજાર છ વાગે બંધ કરી દેવા નિર્ણય

કોરોના કહેર સામે સ્વયંભૂ પગલા : માંડવીની પોળ મેટલ મર્ચન્ટ એસોસિયેશનનું ચોથી સુધી બજારનો સમય મર્યાદિત કરવા અને નિયમ પાળવા સુચન

અમદાવાદ, તા. ૨૩ : માનવીનીપોળ મેટલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ૪ ઓક્ટોબર સુધી વાસણ બજાર સાંજે છ વાગે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચકતા તકેદારીના ભાગરૂપે વેપારીઓ દ્વારા મિટિંગ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે દિવસ દરમિયાન પણ કોરોનાથી બચવા માટેની તમામ તકેદારી રાખવા માટે પણ વ્યાપારીઓને સૂચન કરવામાં આવ્યા છે.

માંડવીની પોળ મેટલ મરચન્ટ  એસોસીએશનના હિમાંશુભાઈ શાહના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી કોરોનાને લઈ ને બજાર બંધ રહ્યા બાદ સરકાર દ્વારા ચોક્કસ શરતોને આધીન બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેને કારણે શહેરમાં તમામ બજાર અને માર્કેટ ખુલી ગયા છે ધીરે ધીરે વેપાર ધંધો પણ પાટે ચડી રહ્યો છે. બીજી તરફ શહેરમાં ફરીથી કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોવાથી તકેદારીના ભાગરૂપે તમામ વેપારીઓએ સાથે મળીને એવો નિર્ણય લીધો છે કે ૪થી ઓકટોબર સુધી વાસણ બજારના તમામ વેપારીઓ સાંજે ૬:૦૦ વાગે પોતાની દુકાનો બંધ કરી દેશે. જ્યારે દિવસ દરમિયાન પણ પોતાની દુકાનમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

(7:50 pm IST)