Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૨૧ દિનમાં ૩૪૯ કેસ થયા

કમળાના ૨૪૧ અને ટાઇફોઇડના ૫૩૧ કેસો અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

અમદાવાદ, તા. ૨૩: વરસાદની સિઝનની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે સાવચેતીના તમામ પગલા લેવાયા હોવા છતાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સાદા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો નોંધાયા છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ૪૪૭ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૨ અને ડેંગ્યુના ૪૧૬ કેસો સપાટી ઉપર આવ્યા છે અને ચિકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરમાં ૨૧ દિવસમાં ઝાડાઉલ્ટીના ૩૪૯ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૨૪૧ અને ટાઇફોઇડના ૫૩૧ કેસ નોંધાઈ ચુક્યા છે. સપ્ટેમ્બર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૩૪૯ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૩૬૦૩૮ ક્લોરિન ગોળીઓનું વિતરણ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૧૦૭૮ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૩ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૨૩૬૧ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવીરહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે.

(9:56 pm IST)