Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વકીલોને કોંગ્રેસ સાથે જોડવા અભિયાન

રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં પત્રો મોકલાયાઃ ગુજરાતના ૧૦૦૦ વકીલો સભ્ય છે : બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ અને કેફી પીણા પીતા ન હોવાનો સંકલ્પ જરૂરીઃ યોગેશ રવાણી

અમદાવાદ, તા. ૨૩ :. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વકીલોને સભ્ય બનાવવા માટે અભિયાન ચાલી રહ્યુ છે. પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના સંયોજક હાઈકોર્ટના જાણીતા એડવોકેટ શ્રી યોગેશ એન. રવાણીએ આ અંગે કોંગ્રેસના પદાધિકારીઓને જિલ્લાવાર ફોર્મના નમૂના સાથે પત્રો પાઠવ્યા છે.

સભાસદ ફોર્મમાં નામ, સંપર્ક નંબર, સ્થળ, કાર્યક્ષેત્ર, વિધાનસભા અને લોકસભા મતક્ષેત્ર વગેરે દર્શાવવાના રહેશે. પસંદગીની જવાબદારીમાં સંગઠન, સંકલન અને સંચાલનના વિકલ્પ અપાયા છે. ફોર્મ ભરીને જે તે જિલ્લાના લીગલ સેલના સંયોજક મારફત પ્રવેશમા મોકલવાનુ રહેશે. સભ્ય બનનાર વકીલે કેટલાક સંકલ્પ જાહેર કરવાના રહે છે તેની ઝલક નીચે મુજબ છે.

હું જાહેર કરૂ છું કે, (૧) મારી ઉંમર ૨૩ વર્ષ કે તેથી વધારે છે. (૨) હું ગુજરાત રાજ્યમાં અમલી કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતો નથી, કરીશ નહી અને હું કેફી પીણા પીતો નથી કે કેફી દ્રવ્યો લેતો નથી. (૩) હું સામાજીક ભેદભાવ કરતો નથી અને તેને કોઈપણ સ્વરૂપે વ્યવહારમાં લાવતો નથી અને તેનુ નિવારણ કરવા કામ કરવાનું વચન આપુ છું. (૪) હું જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના સંવાદિતામય સમાજમાં વિશ્વાસ રાખું છું. (૫) હું બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને લોકશાહીના સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવું છે અને તેના સ્વીકૃત નીતિઓ અને કાર્યક્રમની સીધી કે આડકતરી જાહેર કે પરોક્ષ અથવા વિરોધાત્મક ટીકા સંસ્થાકીય માળખા સિવાય કયાંય કરીશ નહીં. (૬) એ.આઈ.સી.સી. દ્વારા માન્ય સામયિકનો ગ્રાહક થઈશ. (૭) હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણની શરતો અને નિયમો બનાવેલા છે તેનું પાલન કરીશ. (૮) હું ગુજરાતની અદાલતમાં પ્રેકટીશ કરવા માટેની સનદ ધરાવું છું. (૯) હું કોંગ્રેસ વિચારધારા અન્વયેના કેસમાં આમ નાગરીકને મદદરૂપ થવા તૈયાર છું. (૧૦) હું ભારતીય બંધારણ અને લોકશાહીના સિદ્ધાંતોને ટકાવી રાખવા માટે લડત કરવા અને સામાન્ય નાગરીકને મદદરૂપ થવા કટીબદ્ધ છું.

(3:53 pm IST)