Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સાઉદીના રિયાધમાં ગુજરાતી યુવાનો ફસાયા : કુટુંબીઓ ચિંતાતુર

નવસારી,તા.૨૩: સાઉદી અરેબિયાના રિયાધ શહેરની કંપનીમાં પેટિયું રળવા ગયેલા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનોને કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહીં આપી સાઉદીમાં જરૂરી એવો હકામાં કાર્ડ રિન્યૂ ન કરાવતા ભારતીય યુવાનોની સ્થિતિ કફોડી બની છે. કંપનીની આડાઈને કારણે ત્યાં ફસાયેલા યુવનોના પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ છે સાથે જ સરકાર તેમને ભારત પરત લાવવા મદદરૂપ થાય એવી આશા સેવી રહ્યા છે.

નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામના ગરીબ પરિવારનો સુરેશ શુક્કર પટેલ વર્ષોથી સાઉદી અરેબિયાના રિયાધની કંપનીમાં નોકરી કરવા જાય છે. ગત ૨૦૧૭માં પણ સુરેશ રિયાધની એસએસસીએલ કંપનીમાં નોકરીએ ગયો હતો, પરંતુ ત્યાં ગયા બાદ કામ બંધ થવા સાથે જ કંપનીએ પગાર આપવાનું બંધ કરતાં સુરેશ સહિત પરિવારની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ સુરેશને હકામાં કાર્ડ મળે તો જ ભારત આવી શકાય એવું જાણતા જ પરિવાર જાણો ચિંતામાં મુકાયા છે.

રિયાધના ભારતીય દૂતાવાસમાં રજૂઆત કરવા છતા પણ કોઈ ઉકેલ ન દેખાતા સરકાર રિયાધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ કરે એવી આશા પરિવારજનો સેવી રહ્યા છે. સાઉદી અરેબિયાના રિયાધ શહેરની એસએસસીએલ કંપનીમાં ચિખલીના રૂમલા ગામના સુરેશ પટેલ સહિત રાનકૂવા ગામે રહેતો કલ્પેશ લાડ, ગણદેવી તાલુકાના ખપરવાડા ગામે રહેતો કિરણ પટેલ અને બીલીમોરાના અરવિંદ પટેલ પણ ફસાયા છે.

(3:51 pm IST)