Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અલ્પેશ ઠાકોર-ધવલસિંહને હરાવવા કોંગ્રેસના મરણીયા પ્રયાસો

અલ્પેશ સામે ગેનીબેનને મેદાનમાં ઉતારી માસ્ટર સ્ટ્રોક પણ મારી શકે છેઃ ઠાકોર સેનાના અસંતુષ્ટો પણ મગન ઠાકોરને અપક્ષ લડાવીને અલ્પેશ ઠાકોરને તાકાત બતાવવાના મૂડમાં

અમદાવાદ, તા. ૨૩ :. રાજ્યની ખાલી પડેલી ૭માંથી ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા છે. રાધનપુર અને બાયડની ચૂંટણી પણ જાહેર થતા કોંગ્રેસ તથા ઠાકોર સેનાના અસંતુષ્ટોએ અલ્પેશ ઠાકોરને હરાવવા કટીબદ્ધતા વ્યકત કરી છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પક્ષને છેહ દેનાર અલ્પેશ તથા ધવલ ઝાલાને હરાવવા તમામ પ્રયાસો કરી છૂટશે. એક ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ ગેનીબેન ઠાકોર નામનુ રાજકીય 'બ્રહ્મસ્ત્ર' પણ છોડી શકે છે.

રાધનપુરમાં ઠાકોર સેના અલ્પેશ ઠાકોરથી નારાજ હોવાથી અને તેને હરાવવા બેઠકો થઈ રહી હોવાની વિગતો બહાર આવી રહી છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ મરણિયુ બની પ્રયાસો કરનાર છે અને તેના ભાગરૂપે જ અલ્પેશ સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારે તેવી વાતો વહેતી થઈ છે.

કોંગ્રેસ સાથે ગદ્દારી કરનાર અલ્પેશ ઠાકોરને કોઈપણ સંજોગોમાં હરાવવોએ એ એક માત્ર લક્ષ્ય હાલ ગુજરાત કોંગ્રેસ રાખી રહી છે. રાધનપુર બેઠક પર ભાજપ જો અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે તો કોંગ્રેસ પોતાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને અલ્પેશ સામે ચૂંટણી લડાવશે. કોંગ્રેસ દ્વારા અલ્પેશને હરાવવાની તમામ તૈયારીઓ કરાઈ રહી છે. આ તૈયારી અને રણનીતિના ભાગરૂપે જ ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ મેદાનમાં ઉતારવા પ્રયાસ કરી રહી છે. રાધનપુરમાં પેટાચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં બહાર આવી ગયા છે. સાંતલપુરના કોરડા ગામે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા. ભાજપ કાર્યકર અને પૂર્વ ઠાકોર સેનાના પ્રમુખ મગન ઠાકોરના સમર્થનમાં લોકો ભેગા થયા હતા. આ બેઠકમાં મગન ઠાકોરને અપક્ષ ઉમેદવારી નોંધાવવા ઠાકોર સમાજે ટેકો આપ્યો છે. આમ જો મગન ઠાકોર અપક્ષ ઉમેદવારી કરે તો અલ્પેશ ઠાકોરને ફટકો પડી શકે છે. બેઠકમાં રાધનપુર ઠાકોર સમાજનું વધુ પ્રભુત્વ છે. આમ રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ઠાકોર સમાજ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

મુખ્ય ચૂંટણી પંચે રાધનપુર અને બાયડમાં પણ પેટાચૂંટણી જાહેર કરતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ પેટાશૂટરોના જીવમાં જીવ આવ્યો છે.

હવે આ બન્ને પેટાશૂટરો પોતપોતાની બેઠકો પર ગમે તેમ કરીને પણ ચૂંટણી જીતવા મરણિયા બનશે. આમ રાધનપુર અને બાયડ બેઠકોની ચૂંટણી આ વખતે રાજકીય ગરમાવો લાવનારી બની રહેશે. કોંગ્રેસ ગમે તેમ કરીને પણ આ બન્ને બેઠકો જાળવી રાખવાના પ્રયાસો કરશે તો સામે પક્ષે ભાજપ પોતાની બેઠકો વધારવા રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. આમ અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસ, શંકર ચૌધરી અને નારાજ ઠાકોર સેના એમ ત્રણ ત્રણ પડકારો ચૂંટણી માટે ઉભા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરનું ભાજપમાં આવ્યા બાદ મંત્રી બનવાનું સ્વપ્ન તો પૂર્ણ થયુ નથી, ત્યારે હવે તેને પોતાની રાધનપુરની બેઠકને બદલે ખેરાલુ પર લડાવાય તો તેને બીજો ફટકો પડી શકે તેમ છે. બીજી તરફ અલ્પેશ-ધવલને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા અંગેની કોંગ્રેસની પિટીશન પણ કોર્ટ સમક્ષ પેન્ડીંગ છે ત્યારે હવે રાજકીય ગરમાવાવાળી બન્ને બેઠકોમાં શું થાય છે તે જોયું રહ્યું!(૨.૨)

(12:02 pm IST)
  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST