Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બાર કાઉન્સિલના ચેરમેન તરીકે સી.કે.પટેલ નિમાયા

અમદાવાદ, તા.૨૨ : ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની મહત્વની ચૂંટણી આજરોજ યોજાઇ હતી. જેમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે આણંદના ધારાશાસ્ત્રી સી.કે.પટેલની અને વાઇસ ચેરમેન તરીકે સુરતના ધારાશાસ્ત્રી જીતેન્દ્રભાઇ બી.ગોળવાળાની નિમણૂંક કરવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી આજની ચૂંટણીમાં ફરી એકવાર સતત ૨૨મા વર્ષે ભાજપની સમરસ પેનલે બાર કાઉન્સીલમાં સત્તા હસ્તગત કરી હતી. આ અંગે ભાજપના પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલ એ રાજયના અંદાજે ૮૦હજારથી વધુ વકીલોની માતૃ સંસ્થા છે અને સમરસ પેનલ છેલ્લા ૨૨ વર્ષોથી વકીલોના હિતમાં અને અનેકવિધ કલ્યાણકારી પ્રવૃતિ કરતી આવી છે. બાર કાઉન્સીલની ગરિમા અને ગૌરવ વધારવાનો જ ઉદ્દેશ હરહંમેશ સમરસ પેનલનો રહ્યો છે.

બાર કાઉન્સીલના ચેરમન અને વાઇસ ચેરમેન સિવાય ગુજરાત બાર કાઉન્સીલની એકઝીકયુટીવ કમીટીના ચેરમેન તરીકે વડોદરાના નલીન ડી.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન તરીકે સુરતના હિતેશ જે.પટેલ, રૂલ્સ કમીટીના ચેરમેન તરીકે ગાંધીનગરના કરણસિંહ બી.વાઘેલા, જીએલએચ કમીટીના ચેરમેન તરીકે નડિયાદના કિરીટ એ.બારોટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સિવાય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ૧૬ જેટલી શિસ્ત સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી, જેમાં બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, દિલીપ કે.પટેલ અને અફઝલખાન પઠાણ સહિતના ધારાશાસ્ત્રોઓની શિસ્ત કમીટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાર કાઉન્સીલની સમરસ  પેનલના સંયોજક જે.જે.પટેલ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, ભરત ભગત, વિજય પટેલ, કરણસિંહ બી.વાઘેલા સહિતના ૨૦ સભ્યોને લઇને ત્રણ દિવસ પહેલાં ઉદેપુર ખાતેના જોડાલ સફારી રિસોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંથી સીધા જ આજે તમામ સભ્યોને લઇને ગુજરાત બાર કાઉન્સીલની ઓફિસ ખાતે લવાયા હતા. પ્રતિષ્ઠાભરી આ ચૂંટણીમાં ફરી એકવાર સતત ૨૨મા વર્ષે ભાજપની સમરસ પેનલે બાર કાઉન્સીલમાં સત્તા હસ્તગત કરતાં ભાજપની છાવણીમાં ભારે ખુશી છવાઇ હતી.

(9:31 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST